IPL-2024વિશેષસ્પોર્ટસ

ટીમ માલિક સાથેના વિવાદના એક અઠવાડિયા બાદ રાહુલનો ખુલાસો

Text To Speech

14 મે, નવી દિલ્હી: લખનૌ સુપર જાયન્ટ્સની સન રાઈઝર્સ હૈદરાબાદ સામે થયેલી શરમજનક હાર બાદ ટીમ માલિક સંજીવ ગોયન્કા  સાથે થયેલા વિવાદના બરાબર એક અઠવાડિયા બાદ કેપ્ટન કેએલ રાહુલનો ખુલાસો સામે આવ્યો છે. આજે લખનૌ દિલ્હી કેપિટલ્સ સામે કરો યા મરોની સ્થિતિ જેવી મેચ રમવાનું છે.

IPL 2024ના ઓફીશીયલ બ્રોડકાસ્ટર સાથેની ચર્ચામાં કેએલ રાહુલનો મત એવો રહ્યો છે કે ટીમના સપોર્ટર્સે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં આવીને ટીમને સપોર્ટ કરવો જોઈએ. રાહુલે ખુલાસો કરતાં કહ્યું છે કે ટીમના પાછલા બે વર્ષનો દેખાવ બહુ સારો રહ્યો છે. આ વખતે નવા કોચ જસ્ટિન લેંગર છે અને અમારા ટીમના માલિક સંજીવ ગોયન્કા  છે અને અમે સતત લડત આપતી રહે એવી ટીમ બનાવી છે.

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટનનો દાવો હતો કે તેમની ટીમનું બેલેન્સ શાનદાર છે. ટીમને જેની જરૂર છે તે છે ફેન્સનો સપોર્ટ. જ્યારે અમારી ટીમના ફેન્સ સ્ટેડિયમમાં આવીને જોરજોરથી ટીમને ચીયર કરે છે ત્યારે ખૂબ ફાયદો થતો હોય છે.

આ અગાઉ ટીમના બોલિંગ કોચ લાન્સ ક્લુઝનરે સમગ્ર વિવાદ પર ઠંડુ પાણી રેડતા કહ્યું હતું કે આવી ચર્ચા થવી સામાન્ય છે અને આ કોઈ અસામાન્ય ઘટના ન હતી. ક્રિકેટ ફેન્સ વચ્ચે ઘણી વાર જોરદાર ચર્ચા થાય છે. અમે લોકો ઘણી વખત એકસાથે ચા પીતા હોઈએ ત્યારે પણ આવી જોરદાર ચર્ચાઓ કરતાં હોઈએ છીએ.

હૈદરાબાદ સામેની મેચ હાર્યા બાદ જ્યારે પ્લેયર્સ ડગ આઉટની આસપાસ ઉભા હતા ત્યારે સંજીવ ગોયન્કા  અને કેએલ રાહુલ વચ્ચે કોઈ ચર્ચા ચાલી રહી હોય એવું લાગ્યું હતું. બાદમાં જે રીતે ગોયન્કા ઉગ્ર થઈને હાથ હલાવીને બોલી રહ્યા હતા તે જોઇને લાગ્યું હતું કે તેઓ ટીમના કેપ્ટન પ્રત્યે ખુબ ગુસ્સે છે. તો સામે પક્ષે કેએલ રાહુલે આ ઉગ્રતાનો કોઈજ જવાબ આપ્યો ન હતો.

પરંતુ આ ઘટના બાદ વિવાદ થઇ ગયો હતો અને પૂર્વ ક્રિકેટરો તેમજ ક્રિકેટ ફેન્સે ગોયન્કાની ઉગ્ર ટીકા કરી હતી. આ તમામનું કહેવું હતું કે જે કોઈ પણ ગુસ્સો હોય તે મેદાન પર રજૂ ન કરતાં ડ્રેસિંગરૂમમાં બહાર કાઢવો જોઈએ.

અમુક પૂર્વ ક્રિકેટરોનું કહેવું હતું કે કેપ્ટન સાથે આ પ્રમાણેનું વર્તન જરાય ચલાવી ન લેવું જોઈએ.

Back to top button