14 મે, અમદાવાદ: એવું કહેવાય છે કે જો ભારતના વડાપ્રધાન પછી જો સહુથી કોઈ અઘરું કાર્ય હોય તો તે છે ભારતની ક્રિકેટ ટીમના કેપ્ટન અને કોચ બનવાનું. આ પાછળ કારણ એવું છે કે કરોડો લોકોની અપેક્ષાઓ તમારી સાથે હોય છે. હવે ટીમ ઇન્ડિયાના આગામી કોચ માટેની શોધખોળ શરુ થઇ ગઈ છે.
થોડા દિવસ અગાઉ જ સમચાર મળ્યા હતા કે BCCIના સેક્રેટરી જય શાહે હાલના કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રેક્ટ રિન્યુ નહીં થાય તે કન્ફર્મ કર્યું હતું. ગઈકાલે ટીમ ઇન્ડિયાના આગામી કોચ માટે BCCI દ્વારા જાહેરાત પણ બહાર પાડી દેવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે ખાસ ગુણ હોવા જરૂરી છે, આ ઉપરાંત આ જાહેરાતમાં કોચને મળનારા પગાર અને અન્ય ભથ્થાંઓ વિશે પણ સંકેત આપવામાં આવ્યો છે.
રાહુલ દ્રવિડનો કાર્યકાળ જૂન મહિનાના અંત સુધીનો છે આથી નવા કોચે પોતાની જવાબદારી 1 જુલાઈથી સંભાળવાની રહેશે. નવો કોચ 31 ડિસેમ્બર 2027 સુધી ટીમ ઇન્ડિયાને કોચિંગ અપાશે. સરળ શબ્દોમાં સમજીએ તો નવો કોચ 2027માં સાઉથ આફ્રિકામાં થનારા વન-ડે વર્લ્ડ કપ સુધી પોતાની જવાબદારી સંભાળશે.
BCCIની જાહેરાતમાં જણાવ્યા અનુસાર હેડ કોચને 14-16 જણાનો સપોર્ટ સ્ટાફ પૂરો પાડવામાં આવશે. પસંદગી પામેલા કોચની જવાબદારી ટીમ ઈન્ડિયાને ક્રિકેટના દરેક ફોર્મેટમાં અને દરેક પરિસ્થિતિમાં વર્લ્ડ ક્લાસ ટીમ તરીકે વિકસિત કરવાની રહેશે. તેણે આવનારી પેઢીને પણ પ્રેરણા આપવાનું કાર્ય કરવાનું રહેશે.
BCCIની જાહેરાત અનુસાર નવા કોચે ઓછામાં ઓછી 30 ટેસ્ટ મેચ અથવાતો 50 ODIs રમી હોવી જોઈએ, અથવાતો તેણે ફૂલ ટાઈમ ટેસ્ટ ટીમનું કોચિંગ ઓછામાં ઓછા 2 વર્ષ માટે કર્યું હોવું જોઈએ, અથવાતો તે કોઈ એસીસીએટ મેમ્બર, IPLની ટીમ કે તેના સ્તરની કોઈ આંતરરાષ્ટ્રીય લીગ અથવાતો ફર્સ્ટ ક્લાસ ટીમ કે નેશનલ A ટીમનું કોચિંગ ઓછામાં ઓછા 3 વર્ષ માટે કર્યું હોવું જોઈએ. જો તેણે BCCIના લેવલ 3 સુધીના કોચિંગનું સર્ટીફીકેટ મેળવ્યું હોય તો પણ તે અરજી કરી શકે છે.
સહુથી મહત્વની વાત અરજી કરનાર હેડ કોચની ઉંમર 60 વર્ષથી નીચેની હોવી જોઈએ. નવા કોચના પગાર અને અન્ય ભથ્થાં માટે આ જાહેરાતમાં એમ કહેવાયું છે કે અરજી કરનાર કોચના અનુભવ પ્રમાણે તેના પર વાતચીત કરી શકાશે.
આ ઉપરાંત આ જાહેરાતમાં એક લીટી એમ પણ લખવામાં આવી છે કે કોચ બન્યા પછી અરજકર્તાએ સ્ટાર ખેલાડીઓ સાથે કામ કરવાના દબાણ માટે પણ તૈયાર રહેવું પડશે.