14 મે, કરાંચી: પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા PCBના ભૂતપૂર્વ પ્રમુખ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓપનીંગ બેટ્સમેન રમીઝ રાજાએ ફરીથી બાફ્યું છે. આ વખતે તેમણે આફ્રિકન દેશો વિશે અણછાજતી કોમેન્ટ કરી છે.
વાત એવી છે કે આજકાલ પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપની તૈયારી કરવા માટે આયરલેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસ પત્યા બાદ તેઓ ઇંગ્લેન્ડ પણ જવાના છે. હાલમાં આયરલેન્ડમાં ચાલી રહેલી સિરીઝ દરમ્યાન ટેક્નોલોજીનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણકે આયરલેન્ડનું ક્રિકેટ બોર્ડ એટલું સમૃદ્ધ નથી કે તે એક સિરીઝ માટે DRS અપનાવી શકે.
રમીઝ રાજાને આ જ બાબતે વાંધો પડ્યો છે. રમીઝ રાજાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું છે કે, ‘એક બાબત જે મને નથી ગમતી તે આ મેચોનું કવરેજ છે. મને એવું લાગે છે કે હું કોઈ ક્લબ કક્ષાની મેચ જોઈ રહ્યો છું. ફક્ત બે જ કેમેરા છે. DRS નથી, રિપ્લે નથી અને અહીં બેઠા આપણને બાઉન્ડ્રી રોપ ક્યાં છે તેનો પણ ખ્યાલ નથી આવતો. આ પાકિસ્તાન ક્રિકેટ માટે અન્યાયી છે. દુનિયાના ઘણા બધા લોકોને પાકિસ્તાનનું ક્રિકેટ જોવું ગમે છે તેમના માટે આ બદનસીબી જ કહેવાય.’
રમીઝ રાજાનું સૂચન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલેકે PCB માટે પણ છે કે તે આ બાબતે ધ્યાન આપે. આ માટે તેમણે BCCIનું ઉદાહરણ આપીને કહ્યું છે કે, ‘હું તમને પાકે પાયે કહી શકું છું કે ભારત આ પ્રકારનું કવરેજ ક્યારેય સ્વીકારશે નહીં. આ બધું નક્કી કરવામાં તમારો પણ હાથ હોય છે. આથી પાકિસ્તાને પણ આ પરિસ્થિતિમાં પોતાની વાત કહેવી જોઈએ.’
ત્યારબાદ રમીઝ રાજાનું એ નિવેદન આવ્યું હતું જેની ચર્ચા થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે અમે કોઈ આફ્રિકન દેશ નથી કે અમારા માટેનું કવરેજ આટલું સામાન્ય હોય. વળી આ સિરીઝ ઇંગ્લેન્ડમાં પણ કવર નથી થઇ રહી કારણકે અહીં સ્કાય સ્પોર્ટ્સ હાજર નથી.’
આફ્રિકન દેશ શબ્દ લાવીને રમીઝ રાજા કદાચ કોઈ વિવાદમાં ફસાઈ જાય એવું લાગી રહ્યું છે, કારણકે આમ કહીને તેમણે ક્રિકેટ રમતા આફ્રિકન દેશોને પાકિસ્તાન કરતાં પણ નિમ્નકક્ષાના ગણાવી દીધા છે. હવે આગળ જોઈએ કે PCB રમીઝ રાજાના આ બફાટનો કોઈ જવાબ આપે છે કે કોઈ આફ્રિકન દેશનું બોર્ડ આ નિવેદનનું સજ્ઞાન લે છે.