લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સાંજે 5 સુધીમાં સરેરાશ 62.60% મતદાન નોંધાયું
નવી દિલ્હી, 13 મે : લોકસભા ચૂંટણી 2024માં અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં કુલ 283 બેઠકો પર મતદાન થયું છે. લોકસભાની 102 બેઠકો માટે પ્રથમ તબક્કાનું એપ્રિલની 19મીએ, 88 બેઠકો માટે બીજા તબક્કાનું એપ્રિલની 26મીએ જ્યારે 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું 7મી મેએ મતદાન થયું હતું. ત્યારે આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં જ સૌથી વધુ મતદાન ચૂંટણી પંચે અત્યાર સુધીના મતદાનના આંકડા પણ જાહેર કરી દીધા છે.
મળતી માહિતી અનુસાર સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં જ થયું છે. અહીં મતદાન ટકાવારીનો આંકડો 75.72% થઈ ગયો છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં મતદારોનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે, જ્યાં ફક્ત 35.97% જ મતદાન થયું છે. જ્યારે મધ્ય પ્રદેશમાં પણ મતદારોનો ઉત્સાહ ઊંચો છે, જ્યાં 68.25% મતદાન થયું છે. જો કે આ આંકડામાં આવતીકાલ સુધી સામાન્ય ફેરફાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આજે કુલ 1,717 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.
કયા રાજ્યમાં કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને
ચોથા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 454, બિહારમાં 55, જમ્મુ-કાશ્મીરમાં 24, ઝારખંડમાં 45, મધ્ય પ્રદેશમાં 74, મહારાષ્ટ્રમાં 298, ઓડિશામાં 37, તેલંગાણામાં 525, ઉત્તર પ્રદેશમાં 130 અને પશ્ચિમ બંગાળમાં 75 ઉમેદવારોનો સમાવેશ થાય છે.