વિશેષસ્પોર્ટસ

આયરલેન્ડ સામેની જીત બાબર માટે લાવી કભી ખુશી કભી ગમ!

Text To Speech

13 મે, ડબ્લીન: પહેલી મેચમાં શરમજનક હાર પામ્યા બાદ આયરલેન્ડ સામેની બીજી T20માં પાકિસ્તાન ટીમનો ભવ્ય વિજય થયો છે. ટીમના મહત્વના ખેલાડી મોહમ્મદ રિઝવાનની ધમાકેદાર બેટિંગને કારણે પાકિસ્તાને આયરલેન્ડ સામે એક મોટો સ્કોર ચેઝ કરી લીધો હતો. પરંતુ પાકિસ્તાનના કેપ્ટન બાબર માટે આ મેચ ખુશી અને દુઃખ એમ બંનેનું કારણ બની ગઈ હતી.

બાબર આઝમ આમ પણ પોતાની કપ્તાની અને જરૂરિયાત કરતી ધીમી બેટિંગને કારણે પાકિસ્તાની મીડિયા અને યુટ્યુબર્સની ટીકાનો ભોગ બનતો હોય છે. એવામાં ગઈકાલની મેચ જીતીને બાબરને થોડી રાહત તો થઇ હશે પરંતુ સોનાની થાળીમાં લોઢાની મેખ એવી છે કે જેને કારણે બાબર માટે આ જીત કોઈ ખાસ મહત્વ ન પણ ધરાવે.

આ મેચ દરમ્યાન બાબર આઝમે બે રેકોર્ડ બનાવ્યા હતા. એક રેકોર્ડ પર તો બાબર આઝમ કદાચ ખુબ ગર્વ કરશે, પરંતુ બીજો રેકોર્ડ એવો છે જેનાથી બાબર આઝમને ખૂબ શરમ પણ આવશે. બાબર આઝમના પહેલા રેકોર્ડ વિશે ચર્ચા કરીએ જે તેના માટે ગર્વની ક્ષણ લઈને આવ્યો છે.

આયરલેન્ડ સામે બીજી T20I જીતવાની સાથે એક રેકોર્ડ બાબર આઝમના નામે થઇ ગયો છે. આ જીત સાથે બાબર T20Isનો સહુથી સફળ કેપ્ટન બની ગયો છે. બાબરના નેતૃત્ત્વમાં પાકિસ્તાની ટીમે ગઈકાલની મેચ સહિત કુલ 44 T20I મુકાબલા જીત્યા છે. બાબરે આ જીત સાથે યુગાંડાના કેપ્ટનનો રેકોર્ડ તોડ્યો છે.

T20I ક્રિકેટમાં સહુથી વધુ મેચ જીતનારા કેપ્ટનો:

બાબર આઝમ (પાકિસ્તાન) – 45 મેચ

બ્રાયન મસાબા (યુગાંડા) – 44 મેચ

અસગર અફઘાન (અફઘાનિસ્તાન) – 42 મેચ

ઓઇન મોર્ગન (ઇંગ્લેન્ડ) – 42 મેચ

મહેન્દ્ર સિંહ ધોની (ભારત) – 41 મેચ

રોહિત શર્મા (ભારત) – 41 મેચ

બાબર આઝમે પાકિસ્તાન માટે કુલ 78 T20I મેચોમાં કપ્તાની કરી છે જેમાંથી 45 જીત, 26 હાર અને 7 મેચોમાં કોઈજ પરિણામ મળ્યું નથી.

હવે નજર કરીએ બાબર આઝમના એ શરમજનક રેકોર્ડ પર જે રેકોર્ડ કોઈ અન્ય ખેલાડી બહુ જલ્દીથી તોડી નાખે તેવી ઈચ્છા એ જરૂર ધરાવતો હશે. ગઈકાલની મેચમાં બાબર આઝમ 0 રને આઉટ થઇ ગયો હતો. આ સાથે બાબર 0 પર આઉટ થનારા કેપ્ટનોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયો છે.

T20Iમાં ઓસ્ટ્રેલિયાનો એરન ફિન્ચ સહુથી વધુ 8 વખત શૂન્ય પર આઉટ થયો છે, ત્યારબાદ રોહિત શર્મા અને બાબર આઝમ 6-6 વખત અને બાંગ્લાદેશનો મશરફે મોર્તઝા 5 વખત શૂન્ય પર આઉટ થયો છે.

Back to top button