IPL-2024વિશેષસ્પોર્ટસ

ઋષભ પંતની જગ્યાએ અક્ષર પટેલ DCનો કેપ્ટન; પોન્ટિંગે કર્યું કન્ફર્મ

Text To Speech

12 મે, બેંગલુરુ: રાજસ્થાન રોયલ્સની મેચ સામે સ્લો ઓવર રેટને કારણે BCCIએ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કર્યો હતો. ગઈ મોડી સાંજે DCના કોચ રિકી પોન્ટિંગે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે પંતની જગ્યાએ અક્ષર પટેલ આજની મેચમાં કપ્તાની કરશે.

રાજસ્થાન રોયલ્સ સામે ઋષભ પંતનો સ્લો ઓવર રેટ તેનો આ સિઝનમાં ત્રીજો સ્લો ઓવર રેટ હતો આથી તેને BCCIએ એક મેચ માટે બેન કર્યો હતો. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સે આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી હતી જે ફગાવી દેવામાં આવી હતી.

આમ દિલ્હી કેપિટલ્સ સામે નવા કેપ્ટનની શોધની જવાબદારી આવી પડી હતી. આપણે ગઈકાલે જ અહીં ત્રણ વિકલ્પો વિશે ચર્ચા કરી હતી જેમાં ડેવિડ વોર્નર, શે હોપ અને અક્ષર પટેલ સામેલ હતા, અને એ વિકલ્પોમાંથી જ DCએ અક્ષર પટેલની પસંદગી કરી હતી.

ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં રિકી પોન્ટિંગે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, ‘તે (અક્ષર) છેલ્લી બે સિઝનથી આ ફ્રેન્ચાઈઝીનો વાઈસ કેપ્ટન છે. તે IPLનો ખાસ્સો અનુભવ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય પ્લેયર પણ છે. તે આ રમતને બહુ સારી રીતે જાણે છે અને તે પોતાની નવી જવાબદારી અંગે ખૂબ ઉત્સાહિત છે. અમે બે દિવસ અગાઉ જ આ વિષય પર ચર્ચા શરુ કરી દીધી હતી કે જો ઋષભને બેન કરી દેવામાં આવે તો કોને કેપ્ટન બનાવવો.’

પોન્ટિંગે આગળ જણાવ્યું હતું કે, ‘તે ખૂબ સારી રીતે રણનીતિ સમજે છે અને આજે અમે અમારી બોલર્સની મિટિંગ પણ કરી હતી. અક્ષર આજે રાત્રે ટીમના અન્ય ખેલાડીઓ સાથે મિટિંગ કરશે અને પોતાની યોજના વિશે તેમને જણાવશે. મને ખાતરી છે કે તે આવતીકાલે (આજે) અમારી ટીમને ખુબ સુંદર નેતૃત્વ પૂરું પાડશે.’

દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બંને માટે આજની મેચ કરો યા મરોની સ્થિતિ જેવી છે. દિલ્હી આમતો પોઈન્ટ્સ ટેબલમાં બેંગલુરુથી આગળ છે જેથી બેંગલુરુ માટે આ મેચ જીતવી વધુ જરૂરી છે. જો કે દિલ્હી, ચેન્નાઈ અને લખનૌ સાથે 12 પોઈન્ટ્સ ધરાવે છે અને જો બેંગલુરુ આ મેચ જીતીને 12 પોઈન્ટ્સ પર તેમની સાથે આવી જાય તો દિલ્હી માટે તકલીફ વધી શકે તેમ છે.

ઓવરઓલ આ મેચ કોઈ પણ જીતે પરંતુ તેને જોવી રસપ્રદ  જરૂર બની રહેશે.

Back to top button