ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ આ મહિલાના ચરણ સ્પર્શ કર્યા, કોણ છે આ 80 વર્ષની મહિલા?
ઓડિશા, 11 મે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઓડિશાના કંધમાલમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે પદ્મશ્રી એવોર્ડ વિજેતા આદિવાસી કવયિત્રી પૂર્ણમાસી જાનીના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. પૂર્ણમાસી 80 વર્ષીય કવિ અને સામાજિક કાર્યકર છે. તેમણે કુઇ, ઓડિયા અને સંસ્કૃતમાં 50 હજારથી વધુ ભક્તિ ગીતોની રચના કરી છે. જેને લઇ તેમને 2021માં પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય હે કે, પદ્મ પુરસ્કાર 1954 થી આપવામાં આવે છે. આ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું એક છે. દર વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે.
પીએમ મોદીની એક કવયિત્રીના ચરણ સ્પર્શની વીડિયો ક્લિપ સામે આવી છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ માટે પીએમ મોદીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પૂર્ણમાસી જાનીને તડીસરુ બાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દરમિયાન વડાપ્રધાને મહિલા શક્તિને પણ વંદન કર્યા હતા, તેમણે તુલા બહારા જી પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો, જેમણે તેમનું સન્માન કર્યું. નરેન્દ્ર મોદીએ આજે કંધમાલમાં પોતાના સંબોધન દરમિયાન વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે મુખ્યમંત્રી નવીન પટનાયક પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
નરેન્દ્ર મોદીએ શનિવારે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ બનાવશે અને NDA 400નો આંકડો પાર કરશે. મોદીએ ઓડિશામાં તેમના પ્રચારના બીજા તબક્કામાં અહીં એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, રાજકુમાર 2024ની ચૂંટણીમાં એ જ ભાષણ આપી રહ્યા છે જે તેમણે 2014 અને 2019ની ચૂંટણીમાં આપ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસ લોકસભાની કુલ બેઠકોના 10 ટકા પણ મેળવી શકશે નહીં અને 50થી ઓછી બેઠકો મેળવશે, જેના કારણે તે લોકસભામાં વિપક્ષના દરજ્જાથી વંચિત રહેશે.
આ પણ વાંચો :IPL 2024: દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો, કેપ્ટન ઋષભ પંતને એક મેચ માટે કરાયો સસ્પેન્ડ