10 મે,માન્ચેસ્ટર: ઇંગ્લેન્ડના મહાન બોલર જીમ્મી એન્ડરસને નિવૃત્તિ જાહેર કરી છે. ગઈકાલ સાંજથી જ આ બાબતની અટકળો બ્રિટીશ મીડિયામાં શરુ થઇ ગઈ હતી. ગઈકાલે આવેલા સમાચાર અનુસાર ઇંગ્લેન્ડ ટીમના ટેસ્ટ કોચ બ્રેન્ડન મેકલમે જેમ્સ એન્ડરસન સાથે વાત કરીને તેને કહ્યું હતું કે ટીમ હવે ભવિષ્ય તરફ નજર રાખી રહ્યું છે.
41 વર્ષીય જેમ્સ એન્ડરસને થોડા સમય અગાઉ જ સોશિયલ મીડિયા સાઈટ Instagram પર પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી.
View this post on Instagram
પોતાના સંદેશમાં એન્ડરસને જણાવ્યું છે કે, ‘હું તમને ફક્ત એટલું કહેવા માટે આવ્યો છું કે આ ઉનાળામાં લોર્ડ્સ ખાતે રમાનારી પહેલી ટેસ્ટ મારી અંતિમ ટેસ્ટ હશે. જે રમતને હું બાળપણથી પ્રેમ કરતો આવ્યો છું તેને મારા દેશ તરફથી 20 વર્ષ સુધી રમવી તે મારા માટે અદ્ભુત અનુભવ રહ્યો છે. પરંતુ હું જાણું છું કે હવે યોગ્ય સમય આવી ગયો છું અને હું એક તરફ ખસી જઈને અન્ય યુવાનોને તક આપું જેઓ મારી જેમ જ પોતાના સ્વપ્ન સાકાર કરવા માંગે છે, કારણકે મને ખબર છે કે આ પ્રમાણે કરવા જેવી બીજી કોઈ મોટી લાગણી નથી.
ત્યારબાદ જેમ્સ એન્ડરસને પોતાની પત્ની, બાળકો, માતા પિતા, કેપ્ટન, સાથી ખેલાડીઓ અને એ તમામ કોચનો આભાર માન્યો હતો જેમણે તેને આ રમત રમવામાં મદદ કરી છે. પોતાની ભવિષ્યની યોજના વિશે જેમ્સ એન્ડરસને કહ્યું હતું કે તે હવે પોતાના મનની ઈચ્છાઓ પૂરી કરશે જેમાંથી ગોલ્ફ રમવું સહુથી પહેલું હશે.
ત્યારબાદ આટલા બધા વર્ષો પોતાને સમર્થન આપનાર ફેન્સનો પણ જેમ્સ એન્ડરસને આભાર માન્યો હતો.
જીમ્મી તરીકે ઓળખાતા જેમ્સ એન્ડરસને નિવૃત્તિની ઘોષણા આપોઆપ નથી કરી. અગાઉ જેમ કહેવામાં આવ્યું છે તેમ ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમના હેડ કોચ બ્રેન્ડન મેકલમ જાતે એન્ડરસનને ઘરે મળવા ગયા હતા અને તેને ટીમનો આ નિર્ણય જણાવ્યો હતો.
એન્ડરસનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયર ડિસેમ્બર 2002માં શરુ થઇ હતી અને તેણે બહુ ઓછા સમયમાં દુનિયાના સહુથી મહાન ફાસ્ટ બોલર તરીકે પોતાની ઓળખ સ્થાપી દીધી હતી. એન્ડરસને પોતાની સમગ્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 મેચ રમી છે અને તેમાં કુલ 987 વિકેટો પણ લીધી છે.