અમરેલી બાદ માણાવદરમાં ભડકોઃ ભાજપના ઉમેદવાર લાડાણીએ સી.આર.પાટીલને કેમ લખ્યો પત્ર?
જૂનાગઢ, 11 મે 2024, લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ માણાવદરથી પેટા ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પત્ર લખ્યો છે. અરવિંદ લાડાણીએ પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા સામે પક્ષ વિરોધી પ્રવૃતિ કર્યાનો આક્ષેપ કર્યો છે. અરવિંદ લાડાણીએ કહ્યું કે 4 મેના રોજ મળેલી એક બેઠકમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા માટે ચર્ચા થઇ હતી.અમરેલી બાદ હવે જૂનાગઢ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. પત્રમાં આક્ષેપ કરાયો છે કે, જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ 700થી 800 કર્મચારીને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા કહ્યું હતું. 6 મે 2024એ કેબિનેટ મંત્રીએ નુતન જીનીંગ ફેક્ટરીમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી.
જવાહર ચાવડા સામે લાડાણીનો ગંભીર આક્ષેપ
ગુજરાતમાં 25 લોકસભા બેઠકની સાથે પાંચ વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં માણાવદર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ કર્યો છે. લાડાણીએ કહ્યું કે, માજી કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ પોતાની જિનિંગ ફેકટરીમાં કાર્યકર્તાઓની મિટિંગ બોલાવી તેમાં જાણ કરેલી કે, મારા પપ્પાની હારનો બદલો લેવા માટે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મિટિંગમાં 800થી વધુ કાર્યકર્તા હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદ સવસાણી, મહામંત્રી જગદીશ મારુ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન મારડીયાના સસરા જીવાભાઈ મારડીયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમ ચાવડા હાજર રહ્યા હતા અને ચૂંટણીના દિવસે પક્ષવિરોધી પ્રવૃતિ કરી મને હરાવવાના પ્રયાસો કર્યા હતા આ બાબતે મેં પ્રમુખ પાટીલ સાહેબને લેખિત જાણ કરી છે.
પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ બળાપો ઠાલવ્યો
અમરેલીમાં ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ બળાપો ઠાલવ્યો હતો.તેમણે કહ્યું હતું કે, પાર્ટીએ ઉમેદવારનું સિલેક્શન કરીને અમરેલીની 23 લાખની વસતી અને સાડા સતર લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. જે થેંક્યુ ન બોલી શકે એવી વ્યકિતને પાર્ટીએ ટિકિટ આપી. કાછડીયાએ વધુમાં કહ્યું હતું કે, દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડો. કાનાબાર હતા, હિરેન હિરપરા, કેશુભાઈ નાકરાણી જેવા ભાજપ પાસે અનેક મજબૂત ચહેરા હતા. પરંતુ જે વાત ન કરી શકે એવી વ્યકિતને ટિકિટ આપીને તમે ભાજપના કાર્યકર્તાનો દ્રોહ કર્યો છે. ભાજપનો કાર્યકર્તા 35-35 વર્ષથી ભાજપના ઝંડા લગાવતો હોય નારા લગાવતો હોય અને કાલે સવારે જેને લાવો તે સ્ટેજ પર બેસતો હોય અને સિનિયર કાર્યકર્તા સામે બેસે તે કેટલે અંશે વાજબી છે? કાછડીયાએ કહ્યું, આપણી પાસે આટલી મોટી ફોજ છે સામે કશું જ નથી છતા પણ આપણને હંફાવે છે.અમરેલી લોકસભામાં દોઢ લાખ મત ઓછા પડ્યા છે તેનું કારણ છે મતદારોની નિરસતા અને કાર્યકર્તાઓની ઉદાસિનતા છે.
આ પણ વાંચોઃભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ બળાપો ઠાલવ્યોઃ કહ્યું, પાર્ટીએ અમરેલીના કાર્યકર્તાઓનો દ્રોહ કર્યો