ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષસ્પોર્ટસ

દોહામાં અમુક સેન્ટીમીટરથી ગોલ્ડ ચૂક્યો નીરજ ચોપરા

Text To Speech

10 મે દોહા: ભારતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા ફક્ત અમુક સેન્ટીમીટરના અંતરથી જ દોહામાં રમાયેલી ડાયમંડ લીગમાં ગોલ્ડ ચૂકી ગયો હતો. નીરજ ચોપરાએ પોતાના છઠ્ઠા પ્રયાસમાં 88.36 મીટર દૂર પોતાનો ભાલો ફેંક્યો હતો જે તેનો આ લીગમાં બેસ્ટ થ્રો રહ્યો હતો. ચેક રિપબ્લિકના જેકબ વાડ્લેચે 88.38 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેળવ્યો હતો જ્યએર ગ્રેનેડાનો એન્ડરસ પીટર્સ ત્રીજે નંબરે રહ્યો હતો.

દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરાની શરૂઆત જો કે ખરાબ રહી હતી. તેનો બીજો પ્રયાસ 84.93 મીટરનો રહ્યો હતો. નીરજે ત્રીજા પ્રયાસમાં 86.24 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. ચોથા પ્રયાસમાં 86.18 મીટર અને પાંચમાં પ્રયાસમાં 82.28 મીટર દૂર નીરજ ચોપરા દ્વારા ભાલો ફેંકવામાં આવ્યો હતો.

પોતાના અંતિમ પ્રયાસમાં નીરજ ચોપરાએ ચેક રિપબ્લિકના વાડ્લેચને પછાડવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો પરંતુ તે વાડ્લેચથી ફક્ત 0.02 મીટર જ દૂર રહી ગયો હતો અને આથી તે ગોલ્ડ મેડલ જીતી શક્યો ન હતો.

અહીં એ નોંધપાત્ર છે કે નીરજ ચોપરાનું અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 89.94 મીટર છે.

એશિયન ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ લાવનાર કિશોર જેનાએ પણ દોહા ડાયમંડ લીગમાં પદાર્પણ કર્યું હતું પરંતુ તે નવમા નંબરે રહ્યો હતો. તેનો સર્વશ્રેષ્ઠ થ્રો 76.31 મીટર રહ્યો હતો. ડાયમંડ લીગનો બીજો તબક્કો 19 મેના દિવસે મોરક્કોમાં થશે. ગયા વર્ષે નીરજ ચોપરા અહીં ચેમ્પિયન બન્યો હતો, તેણે 2023માં અહીં વાડ્લેચ અને પીટર્સ બંનેને હરાવ્યા હતા.

 દોહા ડાયમંડ લીગના તમામ ટોપ 10 ખેલાડીઓના બેસ્ટ થ્રો:

  1. જેકબ વાડ્લેચ (ચેક રિપબ્લિક) – 88.38 મીટર
  2. નીરજ ચોપરા (ભારત) – 88.36 મીટર
  3. એન્ડરસન પીટર્સ (ગ્રેનેડા) – 86.62 મીટર
  4. ઓલિવર હેલેંડર (ફિનલેન્ડ) – 83.99 મીટર
  5. એડ્રિયન માર્ડારે (મોલ્ડોવા) – 81.33 મીટર
  6. એડીસ માટુસેવિસીયસ (લિથુઆનિયા) – 80.05 મીટર
  7. રોડ્રિક જી. ડીન (જાપાન) – 79.34 મીટર
  8. જુલિયસ યેગો (કેન્યા) – 78.37 મીટર
  9. કિશોર જેના (ભારત) – 76.31 મીટર
  10. કર્ટીસ જોન્સન(અમેરિકા) – 73.46 મીટર.

નીરજ ચોપરાએ ડાયમંડ લીગના ત્રણ અલગ અલગ તબક્કામાં જીત મેળવી છે. તેણે 2022માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી છે. હવે તે ભારતમાં ભુવનેશ્વરમાં આવતીકાલથી શરુ થતી નેશનલ ફેડરેશન કપ સિનીયર એથલેટીક્સ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં કિશોર જેના પણ ભાગ લેશે.

Back to top button