બનાસકાંઠામાં ગુલ્લી મારતા 44 શિક્ષકોને નોટિસ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લાના દાંતા, વડગામ, ડીસા, વાવ અને સુઈગામ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી હતી. જેમાં શિક્ષકોની ફરજમાં બેદરકારી ધ્યાને આવતા આવા 44 જેટલા શિક્ષકોને નોટિસ ફટકારીને કચેરીમાં રૂબરૂ ખુલાસા માટે બોલાવવામાં આવ્યા છે. નોટિસના પગલે શિક્ષકોમાં હલચલ મચી ગઇ છે.
શિક્ષકોને રૂબરૂ ખુલાસા માટે કચેરીમાં બોલાવાયા
બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકામાં ડીઇપીઓ સંજય પરમાર આકસ્મીક ચેકીંગમાં ગયા હતા. ચેકીંગ દરમ્યાન મોટા ભાગે વડગામ અને દાંતાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ગેહાજરી, શાળામાં મોડા આવવા, સફાઈમાં બેદરકારી જેવી અનેક ક્ષતિઓ ધ્યાને આવી હતી. આમ શાળાના શિક્ષકોની બેદરકારી બહાર આવતા અને ફરજમાં ગુલ્લી મારનારા 44 શિક્ષકોને વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં દાંતા તાલુકાના 32 અને વડગામ તાલુકાના 12 શિક્ષકોએ ફરજમાં બેદરકારી દાખવી હોવાનું બહાર આવ્યું છે. ડીઇપીઓ એ આ બંને તાલુકા સિવાય ડીસા, વાવ અને સુઇગામ તાલુકાની પ્રાથમિક શાળાઓની પણ મુલાકાત લીધી હતી. જ્યારે જે શિક્ષકો ફરજ ઉપર સમયસર હાજર ન હોય અથવા તો ગેરહાજર રહ્યા હતા તેવા 44 ગુલ્લીબાજ શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારતા અન્ય શિક્ષકોમાં પણ ફફડાટ પ્રસરી ગયો છે. આ તમામ શિક્ષકોને કચેરીમાં રૂબરૂ ખુલાસો આપવા માટે બોલાવવામાં આવ્યા છે.