ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ બળાપો ઠાલવ્યોઃ કહ્યું, પાર્ટીએ અમરેલીના કાર્યકર્તાઓનો દ્રોહ કર્યો
અમરેલી, 10 મે 2024, લોકસભા બેઠક પર સતત ત્રણ ટર્મથી સાંસદ રહેલા નારણ કાછડીયાની 2024માં ટિકિટ કપાતા ચૂંટણી પહેલા જ નારાજ થયા હતા. ચૂંટણી પૂર્ણ થતા જ નારણ કાછડીયાએ ફરી પોતાની નારાજગી વ્યકત કરી છે. અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, પાર્ટીએ ઉમેદવારનું સિલેક્શન કરીને અમરેલીની 23 લાખની વસતી અને સાડા સતર લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. જે થેંક્યુ ન બોલી શકે એવી વ્યકિતને પાર્ટીએ ટિકિટ આપી.પાર્ટીએ મને ત્રણ વાર ટિકિટ આપી તેના માટે હું પાર્ટીનો આભારી છું. મને કોઈ રંજ નથી.
ટિકિટ આપીને તમે ભાજપના કાર્યકર્તાનો દ્રોહ કર્યો છે
કાછડીયાએ વધુમાં કહ્યું હતું કે, દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડો. કાનાબાર હતા, હિરેન હિરપરા, કેશુભાઈ નાકરાણી જેવા ભાજપ પાસે અનેક મજબૂત ચહેરા હતા. પરંતુ જે વાત ન કરી શકે એવી વ્યકિતને ટિકિટ આપીને તમે ભાજપના કાર્યકર્તાનો દ્રોહ કર્યો છે.ગુજરાતની એકપણ બેઠક એવી નહીં હોય કે જ્યાં ભાજપે વિપક્ષમાંથી આવેલા લોકોને પ્રવેશ નહીં અપાવ્યો હોય. કોંગ્રેસ કે આપમાંથી સવારમાં આવે, બપોરે હોદો મળે, બીજા દિવસે કેબિનેટ મંત્રીના પદ મળે, ધારાસભ્યની ટિકિટ મળે તો ભાજપના સાંસદ તરીકે પાર્ટીમાં રહો તેનો અમને કોઈ વાંધો નથી. ભાજપનો કાર્યકર્તા 35-35 વર્ષથી ભાજપના ઝંડા લગાવતો હોય નારા લગાવતો હોય અને કાલે સવારે જેને લાવો તે સ્ટેજ પર બેસતો હોય અને સિનિયર કાર્યકર્તા સામે બેસે તે કેટલે અંશે વાજબી છે?
આપણી પાસે આટલી મોટી ફોજ છે સામે કશું જ નથી
કાછડીયાએ કહ્યું, આપણી પાસે આટલી મોટી ફોજ છે સામે કશું જ નથી છતા પણ આપણને હંફાવે છે.અમરેલી લોકસભામાં દોઢ લાખ મત ઓછા પડ્યા છે તેનું કારણ છે મતદારોની નિરસતા અને કાર્યકર્તાઓની ઉદાસિનતા. 2019માં આપણી પાસે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિાક નહોતી, એકપણ ધારાસભ્ય નહોતો છતા આપણે 2 લાખ કરતા વધુ મતથી જીત્યા હતા. આજે આપણી પરિસ્થિતિ આવી છે તેની પાછળનું પણ કંઈક કારણ છે. તમે કોઈ ચિંતા ન કરતા, તમે કોઈ ટેન્શન ન લેતા ગમે તેવું કામ હશે રાતના 2 વાગ્યે પણ તમારું કામ થશે. મને ઘણું કહેવામાં દુઃખ થાય છે પણ ન છુટકે મારે કહેવું પડે છે. ભાજપના કાર્યકર્તાનો ઉભો કરતા 10 વર્ષ લાગે જ્યારે કાર્યકર્તાને તોડતા પાંચ મિનિટ લાગે.
કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે કાછડિયાને અભિનંદન પાઠવ્યા
અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે કાછડીયાના નિવેદન બાદ તેમને અભિનંદન પાઠવ્યા હતા. કહ્યું હતું કે, હું ભાજપના પૂર્વ સાંસદને હ્રદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છે. કારણ કે તે લોકોની સામે સત્ય લાવ્યા કે, ભાજપની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે? હાથના કર્યા હૈયે વાગે છે. આ એ જ ભાજપ છે જેને કોંગ્રેસને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું. ભાજપના નેતાઓ કોંગ્રેસ પાર્ટી અંગે જે નિવેદનો કરતા હતા તે હવે ભાજપની સ્થિતિને લઈને પણ નિવેદન આપે. કોંગ્રેસ પ્રવકતા ડૉ મનીષ દોશીએ કહ્યું હતું કે, ભાજપમાં એક પછી એક પત્તા ખુલી રહ્યા છે. અસંતોષની ભાજપની આક્રોશ યાત્રા વડોદરાથી વાયા સાબરકાંઠા બાદ પત્રિકા કાંડ થયો અને ત્યાર બાદ આણંદ,વલસાડ,રાજકોટ બાદ હવે અમરેલી પહોચી છે. પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ આક્રોશ વ્યક્ત કર્યો છે.પક્ષપલટો કરીને આવેલા લોકો મુદ્દે તેમની વ્યથા છે.ભાજપમાં ખરીદ વેચાણ, નાણાં સહિતના ખેલ થઈ રહ્યા છે જેની સામે મૂળ કાર્યકરો નારાજ છે.
આ પણ વાંચોઃદિલીપ સંઘાણી બીજી વખત IFFCOના ચેરમેન બન્યા, બલવિંદરસિંઘ વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ