HD ન્યૂઝ ડેસ્ક, 10 મે: અક્ષય તૃતીયાના દિવસથી ઉત્તરાખંડ ચાર ધામની યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રા માટે લાખો ભક્તોએ નોંધણી કરાવી છે. ગત વર્ષે 55 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચાર ધામના દર્શન કરવા પહોંચ્યા હતા, જેના કારણે રાજ્ય પ્રશાસનને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેથી વર્ષ 2024માં શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તેના માટે પ્રશાસન દ્વાર એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વ્યવસ્થાના ભાગ રુપે દરરોજ દર્શન કરનાર ભક્તોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે એક દિવસમાં કેટલા લોકો ચાર ધામના દર્શન કરી શકશે, કયાંથી નોંધણી કરાવી શકશે અને ચાર ધામનું હવામાન કેવું છે.
એક દિવસમાં કેટલા ભક્તો ચાર ધામના દર્શન કરી શકશે?
ઉત્તરાખંડ પ્રશાસને આ વર્ષે ચાર ધામના દર્શન માટે શ્રદ્ધાળુઓની સંખ્યા નક્કી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક દિવસમાં 9 હજાર શ્રદ્ધાળુઓ યમુનોત્રી ધામના દર્શન કરી શકશે. ગંગોત્રી ધામમાં 11 હજાર ભક્તો દર્શન માટે જઈ શકશે, જ્યારે એક દિવસમાં 15 હજાર ભક્તો બાબા કેદારના દર્શન કરી શકશે. એક દિવસમાં 16 હજાર શ્રદ્ધાળુઓને યાત્રાના છેલ્લા તબક્કાના બદ્રીનાથ ધામમાં જવાની મંજૂરી આપવામાં આવશે. એટલે કે એક દિવસમાં કુલ 51 હજાર ભક્તો ચાર ધામના દર્શન કરશે. આ સિસ્ટમને સરળતાથી ચલાવવા માટે વહીવટીતંત્રે ઋષિકેશ અને શ્રીનગરમાં તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જોકે ચાર ધામ યાત્રા યમુનોત્રીથી શરૂ થાય છે પરંતુ કેટલાક ભક્તો કેદારનાથ અને બ્રદ્રીનાથના દર્શન માટે જ જાય છે. આથી વહીવટીતંત્ર દ્વારા ચારેય ધામોની યાત્રા કરનારા યાત્રિકો અને બે ધામમાં જનારા શ્રદ્ધાળુઓ માટે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન-ઓફલાઈન કેવી રીતે કરવી નોંધણી?
જો તમે ચાર ધામ યાત્રા પર જઈ રહ્યા છો તો ઓનલાઈન અથવા ઓફલાઈન માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. તમે સત્તાવાર વેબસાઇટ registrationandtouristcare.uk.gov.in અથવા એપ touristcareuttarakhand દ્વારા તમે નોંધણી કરાવી શકો છો. ટોલ ફ્રી નંબર 0135 1364 અને વોટ્સએપ નંબર 91-8394833833 દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. તમે [email protected] પર ઈમેલ દ્વારા અથવા લેન્ડલાઈન નંબરો 0135-1364, 0135-2559898, 0135-2552627 પર કૉલ કરીને પણ નોંધણી કરાવી શકો છો. જો તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તમે ઋષિકેશમાં ઓફલાઈન પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
ચાર ધામનું હવામાન કેવું છે?
ઉત્તરાખંડમાં મે-જૂન મહિનામાં હવામાન ખુબજ સુંદર હોય છે પરંતુ અકાળ વરસાદ અને ભારે પવન ભક્તોને પરેશાન કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યમુનોત્રી અને ગંગોત્રીમાં 10 અને 11 મેના રોજ વરસાદની સંભાવના છે, આ સાથે જ તેજ પવન અને વીજળી પણ પડી શકે છે. જ્યારે રુદ્રપ્રયાગ જિલ્લામાં 10 થી 13 મે વચ્ચે કેદારનાથ ધામ જનારા યાત્રિકોને ગર્જનાના વાદળો અને કરાની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અહીં ભારે પવનની પણ શક્યતા છે. બદ્રીનાથનું હવામાન પણ 10મીથી 14મી મે સુધી ખરાબ રહી શકે છે. બદ્રીનાથ ધામ ચમોલી જિલ્લામાં આવેલું છે જ્યાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે હાલમાં ચાર ધામની યાત્રા પર જઈ રહેલા યાત્રીકોને થોડી મુશ્કેલીઓ સામનો કરવો પડી શકે છે.
ચાર ધામ યાત્રાનો લાભ
એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન ચાર ધામના દર્શન કરે છે, તો તે તેના તમામ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. ચાર ધામની યાત્રા કર્યા પછી ભક્તને જન્મ-મરણના ચક્કરમાં પડવું પડતું નથી અને તેને મુક્તિ મળે છે. આ સાથે આધ્યાત્મિક ઉત્થાન માટે હિન્દુ ધર્મમાં આ યાત્રાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચો: કેદારનાથ ધામના દર્શન ખૂલ્યા, વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા