IPL-2024T-20 વર્લ્ડ કપવિશેષસ્પોર્ટસ

બોલિવુડ નહીં પણ એક ડીશ જે બ્રાયન લારાને ભારત તરફ ખેંચે છે

Text To Speech

10 મે, નવી દિલ્હી: લેજન્ડરી ક્રિકેટર બ્રાયન લારા આજકાલ IPLમાં કોમેન્ટ્રી કરવા માટે ભારતમાં છે. એવું નથી કે તેઓ IPL હોય ત્યારે જ ભારત આવે છે. તેઓ વારંવાર ભારત આવતા હોય છે અને અહીં આવવા માટે એક ડીશ છે જે બ્રાયન લારાને ભારત ખેંચી લાવે છે.

સામાન્ય રીતે કોઈ પણ વિદેશી ખેલાડીને તેમના ભારત પ્રેમ વિશે પૂછવામાં આવે તો તેઓ અચૂક કહેતા હોય છે કે તેમને બોલિવુડ ફિલ્મો બહુ ગમે છે અને આથી તેઓ ભારતને પ્રેમ કરે છે. પરંતુ બ્રાયન લારા માટે ભારત ગમવાનું કારણ સાવ અલગ છે.

બ્રાયન લારાએ કહ્યું હતું કે, ‘હું બોલિવુડનો મોટો ફેન નથી. હું એવા દેશમાંથી આવું છું જ્યાં ભારતીય મૂળના લોકોની બહુમતિ છે, આથી ત્યાંના લોકોને બોલિવુડ પ્રત્યે પ્રેમ હોય તે સ્વાભાવિક છે, પરંતુ મને તો ઈંગ્લીશ મુવી પણ નથી ગમતા. હેરી પોટરને એવું બધું મેં નથી જોયું.’

ત્યારબાદ બ્રાયન લારાએ આગળ કહ્યું હતું કે, ‘મને ભારતીયોનો બિનશરતી પ્રેમ ખુબ ગમે છે. જ્યારે પણ તમે ભારત આવો ત્યારે તમારી ભવ્ય આગતાસ્વાગતા થાય છે. ફક્ત તમને જોઇને લોકોના ચહેરા પર સ્મિત આવી જાય છે અને તે મને ફ્રેશ કરી દે છે અને મારામાં હકારાત્મકતા લાવી દે છે.’

છેવટે બ્રાયન લારાને ભારત કઈ વસ્તુ ખેંચી લાવે છે એ વિશે પૂછતાં લારાએ સ્મિત સાથે કહ્યું હતું કે એ વસ્તુ છે ‘છોલે ભટુરે’. ઉત્તર ભારતનું આ સ્ટ્રીટ ફૂડ લારાને ખૂબ ભાવે છે. લારાને છોલે ભટૂરે એટલે ભાવે છે કારણકે તેમના દેશમાં આ ડીશ જેવી જ એક  બીજી ડીશ મળે છે.

લારા કહે છે કે, ‘ટ્રીનીડાડમાં એક આવી જ ડીશ મળે છે અને તે પણ ખૂબ લોકપ્રિય છે અને મને પણ બહુ ભાવે છે. આ ડીશનું નામ છે ‘ડબલ્સ’. આથી જ્યારે પણ હું છોલે ભટૂરે ખાઉં છું ત્યારે મને ડબલ્સની યાદ આવી જાય છે. આ બંને ડીશ એક બીજાને ખૂબ મળતી આવે છે.  હું T20 વર્લ્ડ કપ રમવા આવનાર ભારતીય ક્રિકેટરોને પણ સલાહ આપીશ કે તેઓ પણ આ ડબલ્સ જરૂર ખાય, મને વિશ્વાસ છે કે તે તેમને ખૂબ ભાવશે.’

Back to top button