ધર્મશાળા, 9 મે : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ ધર્મશાળાના એચપીસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં પંજાબની કેપ્ટનશીપ કરી રહેલા સેમ કુરેને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જવાબમાં RCBએ 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ 7 વિકેટે 241 રન બનાવ્યા હતા.10 ઓવર પછી ભારે વરસાદ થયો અને કરા પણ મેદાન પર પડ્યા હતા. પરંતુ થોડા સમય બાદ મેચ ફરી શરૂ થઈ હતી. આ પછી વિરાટ કોહલીનું બેટ ગર્જ્યું અને તેણે 47 બોલમાં વિસ્ફોટક રીતે 92 રનની ઇનિંગ રમી હતી.
આ દરમિયાન તેણે 6 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય રજત પાટીદારે 23 બોલમાં 55 રન બનાવ્યા હતા. અંતમાં કેમરૂન ગ્રીને 27 બોલમાં 46 રન બનાવ્યા હતા. કોહલી અને ગ્રીન વચ્ચે 46 બોલમાં 92 રનની ભાગીદારી થઈ હતી. પંજાબ તરફથી હર્ષલ પટેલે 3 અને વિદ્વાથ કવેરપ્પાએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે સેમ કુરન અને અર્શદીપ સિંહને 1-1 સફળતા મળી હતી.
પંજાબ અને બેંગલુરુ માટે આ કરો યા મરો મેચ
આ સિઝનમાં પંજાબ અને બેંગલુરુ વચ્ચે આ બીજી ટક્કર છે. આ પહેલા આ મેચ 25 માર્ચે યોજાઈ હતી જેમાં આરસીબીએ 4 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં જે પણ ટીમ હારશે તે પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ જશે. જ્યારે મેચ જીતનાર ટીમને 10 પોઈન્ટ મળશે અને તે પ્લેઓફની રેસમાં રહેશે. હાલમાં RCB અને પંજાબ વચ્ચે 11 મેચ રમાઈ છે જેમાંથી માત્ર 4માં જ જીત થઈ છે. બંને ટીમના 8 પોઈન્ટ સમાન છે. RCB અત્યારે 7મા નંબર પર છે. જ્યારે પંજાબ 8મા સ્થાને છે.