પરશુરામજી વિષ્ણુ ભગવાનના અવતાર હોવા છતાં કેમ તેમની પૂજા કરાતી નથી?
- પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. હિન્દુ ધર્મમાં ભગવાન પરશુરામના જન્મોત્સવને ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે
દર વર્ષે વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજને ભગવાન પરશુરામના જન્મોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. આજે 10 મેના રોજ પરશુરામ જયંતી છે. ભગવાન પરશુરામનો જન્મ અખા ત્રીજના દિવસે થયો હતો તેથી અક્ષય તૃતિયાનું મહત્ત્વ પણ વધ્યું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. હિન્દુ ધર્મમાં ભગવાન પરશુરામના જન્મોત્સવને ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે.
ભગવાન પરશુરામ વિશે આપણને ધાર્મિક ગ્રંથોમાં ઘણી રસપ્રદ માહિતી મળે છે. પરશુરામજીને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે, છતાં અન્ય દેવી-દેવતાઓની જેમ તેમની પૂજા કરવામાં આવતી નથી. શું છે તેનું કારણ? જાણો પરશુરામ ભગવાન વિશેની રોચક માહિતી.
પરશુરામજીના જીવન સાથે જોડાયેલાં રસપ્રદ તથ્યો
- પરશુરામ જી ઋષિ જમદગ્નિના પુત્ર હતા અને તેમને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેમનું નામ તેમનાં માતા-પિતાએ રામ રાખ્યું હતું, પરંતુ ભગવાન શિવ દ્વારા તેમને પરશુ નામનું શસ્ત્ર આપવામાં આવ્યું હતું અને તેથી તેમનું નામ પરશુરામ પ્રચલિત થયું.
- પરશુરામ જીના ગુરુ સ્વયં શિવજી છે. વિશ્વામિત્ર અને ઋચિકને પણ તેમના ગુરુ માનવામાં આવે છે. ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણ પરશુરામના શિષ્યો હતા.
- પરશુરામજીએ ભગવાન રામને શારંગ નામનું ધનુષ્ય અને ભગવાન કૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું હતું. તેમણે ભગવાન રામ અને કૃષ્ણને ધર્મની સ્થાપના કરવામાં મદદ કરી હતી.
- પિતાના આદેશથી પરશુરામે તેમની માતાની હત્યા કરી હતી. જો કે, પાછળથી જ્યારે તેના પિતાએ ખુશ થઈને તેમને વરદાન માંગવા કહ્યું, ત્યારે તેમણે માતાનું જીવતદાન માંગ્યું હતું.
- એક વખત પરશુરામજી ભગવાન શિવના દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે ગણેશજીએ તેમને રોક્યા. ગુસ્સામાં પરશુરામજીએ ગણેશજી પર કુહાડીથી હુમલો કર્યો. આ કારણે ગણેશજીનો એક દાંત તૂટી ગયો, ત્યારથી ગણેશજી એકદંત તરીકે ઓળખાવા લાગ્યા.
- પરશુરામજીએ અહંકારી હૈહય વંશનો 21 વખત પૃથ્વી પરથી નાશ કર્યો હતો. જ્યારે સામાન્ય માન્યતા એવી છે કે પરશુરામજીએ તમામ ક્ષત્રિયોનો નાશ કર્યો હતો. એ વાત ખોટી છે કે પરશુરામજીને માત્ર હૈહયવંશીઓ સાથે જ દુશ્મની હતી.
પરશુરામ વિષ્ણુનો અવતાર હોવા છતાં તેમની પૂજા કેમ નથી કરવામાં આવતી?
પરશુરામજીને સાત ચિરંજીવીઓમાંના એક ગણવામાં આવે છે. જ્યારે ભગવાન વિષ્ણુના અન્ય તમામ અવતારોએ પૃથ્વીલોક છોડી દીધો છે, તેથી ભગવાન પરશુરામની પૂજા નહીં, પરંતુ તેમનું આહ્વાન કરવામાં આવે છે. આ સાથે જ પરશુરામજીને ભગવાન વિષ્ણુના ઉગ્ર અવતાર માનવામાં આવે છે, જેમની પૂજા કરવાથી તમને વધુ ઊર્જા પ્રાપ્ત થાય છે. એક સામાન્ય વ્યક્તિ વધુ ઊર્જાને નિયંત્રિત કરી શકતા નથી, તેથી જ તેમની આરાધના પણ વધુ લોકો દ્વારા કરવામાં આવતી નથી. જો કે, જે લોકો યોગ અને ધ્યાનમાં પારંગત છે તેઓ હજુ પણ પરશુરામજીનું આહ્વાન કરે છે. પરશુરામજીની સ્તુતિ અને આહ્વાન કરવાથી વ્યક્તિનાં પરાક્રમ અને સાહસ વધે છે અને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સાહસિક કાર્ય કરનારા લોકો માટે પરશુરામજીની પૂજા કરવી ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ અક્ષય તૃતિયા પર બની રહ્યા છે અનેક શુભ યોગ, નોંઘી લો ખરીદીના મુહૂર્ત