ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતના સરથાણામાં BRTS બસમાં આગ લાગતા અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં

Text To Speech

સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ અને પ્રાણી સંગ્રહાલય પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટોપમાં બસમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. બસ સ્ટોપ પર એકાએક બસમાં આગ લાગતા શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક આ ઘટના અંગે ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયરવિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

અચાનક જ બસમાં આગ લાગી

સુરતના સરથાણા વિસ્તારમાં સવારે શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં બીઆરટીએસ બસનો ઉપયોગ કરતા હોય છે. આજે સવારે પણ શાળા અને કોલેજ જવાના સમય દરમિયાન જ બીઆરટીએસ બસમાં બસસ્ટોપ પર જ આગની ઘટના બનતા ડરનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ બસમાં બેઠા હતા. પરંતુ ધુમાડો નીકળતાની સાથે જ સમયસૂચકતા રાખી નીચે ઉતરી ગયા હતા. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી હતી.

SURAT BRTS FIRE
સુરતની BRTS બસમાં અચાનક જ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી

આગ લાગવાનું કારણ અકબંધ

બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર ઉભેલી બસમાં એકાએક આગ લાગતાની સાથે જ કોઈ સમજે તે પહેલા તો આગે સમગ્ર બસને લપેટમાં લઈ લીધી હતી. સવારના સમયે ખૂબ મોટી સંખ્યામાં અવરજવર કરનારા લોકો પણ બીઆરટીએસ બસનો ઉપયોગ કરતા હોય છે. આ બાબતે ફાયર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનામાં કોઈ પણ ઈજા કે જાનહાનિ થઈ નથી.

Back to top button