IPL-2024ટ્રેન્ડિંગનેશનલવિશેષસ્પોર્ટસ

લખનૌની શરમજનક હાર બાદ ટીમના માલિકે કેએલ રાહુલને જાહેરમાં ખખડાવી નાખ્યો

મે 9, હૈદરાબાદ: સન રાઈઝર્સ હૈદરાબાદે ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવી દીધું હતું. પરંતુ લખનૌની શરમજનક હાર બાદ જે દ્રશ્યો મેદાન પર જોવા મળ્યા તે ક્રિકેટ અને કેએલ રાહુલ જેવા ક્રિકેટરને વધુ શરમિંદા કરનારા હતા.

હૈદરાબાદે લખનૌએ આપેલા 160 રનના ટાર્ગેટને ફક્ત 9.4 ઓવર્સમાં જ પૂરો કરી દીધો હતો. સ્વાભાવિક છે કે આ પ્રકારે જો કોઈ ટાર્ગેટ એચીવ કરવામાં આવે તો વિચારી શકાય છે કે લખનૌના બોલર્સની કેવી ધોલાઈ થઇ હશે.

મેચ પત્યા બાદ ટીવી કોમેન્ટ્રી ટીમને ઇન્ટરવ્યુ આપતા કેએલ રાહુલે પણ જણાવ્યું હતું કે અત્યાર સુધી તો તે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની બેટિંગ ફક્ત ટીવી પર જ જોતો હતો પરંતુ આજે તો તેણે તેનો અનુભવ પણ કરી લીધો. આમ, કેએલ રાહુલ પણ લખનૌની શરમજનક હાર બાદ અત્યંત વ્યથિત હતો.

પરંતુ તેની વ્યથાને સમજવાને બદલે લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા મેદાન પર આવી ચડ્યા હતા અને તેમણે કેએલ રાહુલને જાહેરમાં રીતસર ખખડાવી નાખ્યો હતો. આ સમયે ટીવી કેમેરા પણ આ બંને ઉપર જ હતા. ગોયન્કાના હાવભાવ અને જે રીતે તેઓ રાહુલ સામે હાથ હલાવીને વાત કરી રહ્યા હતા તે સ્પષ્ટ કરતું હતું કે ગોયન્કા રાહુલનું અપમાન કરી રહ્યા છે.

સામે કેએલ રાહુલની એ બાબતે પ્રશંસા કરવી જોઈએ કે આ સમગ્ર ચર્ચા દરમ્યાન તેણે શાંતિથી ગોયન્કાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગોયન્કા શાંત રહ્યા ન હતા. એવું લાગે છે કે આ હાર બાદ લખનૌની ટીમ જે અત્યાર સુધી પ્લેઓફ્સ રમવા માટે લગભગ સુનિશ્ચિત લાગતી હતી તેના ચાન્સ હવે ઓછા થઇ ગયા છે અને એટલે જ સંજીવ ગોયન્કા ગુસ્સે થઇ ગયા હતા.

તમે તે હોય પણ કેએલ રાહુલ એક આંતરરાષ્ટ્રીય ખેલાડી છે, ભારતનું પ્રતિનિધિત્વ કરે છે એટલું જ નહીં તે ભારતનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. ગોયન્કા આ હકીકત તો કદાચ ભૂલી ગયા હશે પરંતુ તેઓ એ પણ ભૂલી ગયા હતા કે છેવટે રાહુલ તેમની ટીમનો પણ કેપ્ટન છે. આથી તેની સાથેનું વર્તન તેમણે એક સજ્જન વ્યક્તિ રીતે કરવું જોઈતું હતું.

ટીમના માલિક તરીકે તમને ગુસ્સો હોય તો આ પ્રકારે કેપ્ટનની ટીકા તેમણે તેને એકાંતમાં બોલાવીને કરવી જોઈએ, ઇવન ટીમ મિટિંગમાં પણ આ રીતે કેપ્ટનને ઉતારી ન પડાય, પણ તેમણે તો આ બધું જાહેરમાં કેમેરાની સામે કર્યું.

આ ઘટના જોનારા ક્રિકેટ ફેન્સ સંજીવ ગોયન્કાથી અતિશય ગુસ્સામાં છે અને તેઓ કેએલ રાહુલને આવતા વર્ષે લખનૌ સુપર જાયન્ટ્સ છોડી દેવા માટે દબાણ કરી રહ્યા છે.

Back to top button