આંતરરાષ્ટ્રીયવિશેષસ્પોર્ટસ

આજે બની હતી એક ઘટના જેણે ક્રિકેટને ધરમૂળમાંથી બદલી નાખ્યું હતું

8 મે, અમદાવાદ: આજે આપણે વનડે અને T20 મેચોમાં ખેલાડીઓને રંગીન કપડાઓમાં રમતા જોઈએ છીએ, સફેદ બોલથી રમતા જોઈએ છીએ અને ફ્લડલાઇટ્સમાં રમતા જોઈએ છીએ તે આભારી છે એક વ્યક્તિને. આ વ્યક્તિએ વ્યક્તિગત સ્વાર્થ ખાતર બળવો પોકાર્યો હતો પણ તેણે ક્રિકેટને ધરમૂળમાંથી બદલી નાખ્યું હતું.

આ વ્યક્તિનું નામ છે કેરી પેકર. કેરી પેકર ઓસ્ટ્રેલિયાનો શ્રીમંત મીડિયા પર્સન હતો. તેને ઓસ્ટ્રેલિયામાં રમાતી મેચોના રાઈટ્સ પોતાની ચેનલ 9 માટે કોઇપણ ભોગે જોઈતા હતા. પરંતુ અહીંનું ક્રિકેટ બોર્ડ અને સરકારી અધિકારીઓ એકબીજા સાથે મળી ગયા હતા અને તેમણે દર વખતે ઓસ્ટ્રેલિયાની સરકારી ટીવી ચેનલોને રાઈટ્સ આપવાનું ચાલુ રાખ્યું હતું.

રાઈટ્સ મેળવવા માટે પેકરે સતત પ્રયાસો કર્યા પરંતુ જ્યારે એ શક્ય બનતું ન દેખાયું ત્યારે તેણે એક નિર્ણય લીધો. તેણે તે સમયના ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ઇયાન ચેપલ અને ઇંગ્લેન્ડના કેપ્ટન ટોની ગ્રેગને પોતાના એજન્ટ બનાવ્યા. આ બંનેએ દેશ-વિદેશમાં ફરીને મોટા મોટા ક્રિકેટરોને સાઈન કર્યા. આ તરફ કેરી પેકરે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ફરીને નવા ગ્રાઉન્ડ ઉભા કર્યા, ડ્રોપ ડાઉન પીચો બનાવડાવી.

અને આજના દિવસે એટલેકે 9 મે 1977માં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કેરી પેકરે વર્લ્ડ સિરીઝ ક્રિકેટની જાહેરાત કરીને સમગ્ર ક્રિકેટ વિશ્વમાં હોબાળો મચાવી દીધો. આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ જેવી ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. આ ત્રણેય એકબીજા સામે અનઓફીશીયલ ટેસ્ટ મેચો રમતી હતી.

થોડા સમય બાદ કેરી પેકરે અનઓફીશીયલ વનડે મેચો રમાડવાની પણ શરુ કરી દીધી. દુનિયા એ સૌથી પહેલીવાર સફેદ બોલથી ક્રિકેટ રમાતું જોયું, ખેલાડીઓના કપડાં રંગીન હતા અને સહુથી મોટી વાત મેચો દિવસ અને રાતની હતી જે ફ્લડલાઇટ્સની નીચે રમાતી.

આ પ્રકારની ટુર્નામેન્ટે ઓસ્ટ્રેલિયાના નોકરિયાત અને વ્યાપારી વર્ગને ખાસ્સો આકર્ષ્યો કારણકે હવે તેઓ સાંજે પોતાનું કામ પતાવીને ઘરે પહોંચીને ટીવી પર મેચ જોઈ શકતા હતા જે ફક્ત દિવસની મેચો દરમ્યાન શક્ય ન હતું. આ રીતે કેરી પેકરે ક્રિકેટને એક સાવ નવો ચહેરો આપી દીધો હતો.

કેરી પેકરના તોફાને અંતે બે વર્ષે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ઘૂંટણે લાવી દીધું અને 1979માં તેણે ચેનલ 9ને દસ વર્ષ માટે ઓસ્ટ્રેલિયામાં રમાતા તમામ પ્રકારના ક્રિકેટ માટેના ટીવી રાઈટ્સ આપી દીધા.

Back to top button