8 મે, હૈદરાબાદ: ગઈકાલની મેચના એક દિવસ અગાઉ હૈદરાબાદમાં ખૂબ વરસાદ પડ્યો હતો અને મેચ દરમ્યાન પણ વરસાદ આવવાની આગાહી હતી. પરંતુ લખનૌ સામેની આ મેચમાં વરસાદ તો ન આવ્યો પણ હૈદરાબાદના ઓપનીંગ બેટ્સમેનોએ એવો તો વંટોળિયો સર્જી દીધો કે લખનૌ સુપર જાયન્ટ્સ માટે હવે પ્લેઓફ્સના દ્વાર દૂર થઇ ગયા છે.
ટોસ જીતીને પહેલી બેટિંગ લેતા લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત બિલકુલ સારી ન રહી હતી. ક્વીનન્ટન ડી’ કોક અને માર્કસ સ્ટોઈનીસ એકદમ સસ્તામાં આઉટ થઇ ગયા હતા. કેપ્ટન કેએલ રાહુલે ધીમી ઇનિંગ રમી હતી જ્યારે તેને સાથ આપવા આવેલા કૃણાલ પંડ્યાએ ઇનિંગને થોડી ગતિ આપવાનો પ્રયાસ જરૂર કર્યો હતો.
પરંતુ લખનૌને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું નિકોલસ પૂરન અને આયુષ બદોનીની બેટિંગે. આ બંનેએ ફાસ્ટ સ્કોર કરતાં લખનૌને 20 ઓવરમાં 160 રન્સના ટોટલ પર પહોંચાડ્યું હતું. સામાન્ય રીતે T20માં આ સ્કોર લડાયક કહેવાય. પરંતુ હૈદરાબાદમાં બે ઓપનીંગ બેટ્સમેન અને તેમની બાદ આવનારા બેટ્સમેનો એવું તો આક્રમક ક્રિકેટ રમી શકે છે કે કોઈ પણ સ્કોર તેમની સામે નાનો દેખાઈ શકે છે.
અને બન્યું પણ એવું. સન રાઈઝર્સ હૈદરાબાદના બંને ઓપનરો ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ આવતાની સાથે જ લખનૌના બોલર્સને ઝુડવાના શરુ કરી દીધા હતા. તેમણે એક પછી એક ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસાવી દીધો હતો. આ વર્ષે IPLમાં હૈદરાબાદની ટીમ આ જ પ્રકારનું ક્રિકેટ રમી રહી છે અને મોટાભાગની ટીમો પાસે તેમની આ રણનીતિનો કોઈજ જવાબ નથી.
લખનૌની પરિસ્થિતિ પણ એવી જ રહી. હૈદરાબાદે 160નું લડાયક ગણાતું લક્ષ્ય ફક્ત 9.4 ઓવર્સમાં જ મેળવી લીધું હતું. આટલો મોટો સ્કોર પહેલી દસ ઓવર હજી પૂરી પણ ન થઇ હોય તેમ છતાં પાર કરી દેવામાં આવ્યો હોય તેવી આ IPLની પહેલી ઘટના હતી.
હેડે ફક્ત 30 બોલમાં 89 નોટ આઉટ અને અભિષેકે ફક્ત 28 બોલમાં 75 રન ઝૂડી નાખ્યા હતા. આ બંનેએ 8-8 ફોર લગાવી હતી જ્યારે હેડે 8 અને અભિષેકે 6 સિક્સર લગાવી હતી. ઘણી ઓછી ઓવરોમાં લક્ષ્ય પ્રાપ્ત કરી લીધા બાદ સન રાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ્સ ટેબલ પર ત્રીજા નંબરે પહોંચી ગયું છે અને તેના પ્લેઓફ્સમાં રમવાના ચાન્સીઝ વધી ગયા છે. જ્યારે આ મોટી હારને લીધે લખનૌ પ્લેઓફ્સની રેસથી દૂર જતું રહ્યું છે.