IPL-2024આંતરરાષ્ટ્રીયવિશેષસ્પોર્ટસ

કોહલી-ગાવસ્કર વિવાદમાં હવે કૂદી પડ્યા છે વસીમ અક્રમ

Text To Speech

8 મે, લાહોર: થોડા દિવસ અગાઉ ભારતીય ટીમના બેટ્સમેન વિરાટ કોહલી અને પૂર્વ ભારતીય ખેલાડી સુનીલ ગાવસ્કર વચ્ચે શાબ્દિક વિવાદ ઉભો થયો હતો. આ વિવાદ વિશે દેશ અને દુનિયામાં ઘણી બધી ચર્ચાઓ ચાલી હતી. હવે કોહલી-ગાવસ્કર વિવાદમાં પૂર્વ પાકિસ્તાની ખેલાડી વસીમ અક્રમ પણ કૂદી પડ્યા છે.

પહેલાં તો જાણીએ કે આ આખો વિવાદ છે શું. વિરાટ કોહલી આ વર્ષની IPLમાં આમ તો સહુથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના કબ્જામાં રાખી છે. પરંતુ તેમની સ્ટ્રાઈક રેટ પર કાયમ પ્રશ્નાર્થ ઉભા થયા છે. આ પ્રશ્ન ઉભો કરનારા ફક્ત સુનીલ ગાવસ્કર જ નહીં પરંતુ અન્ય પૂર્વ ખેલાડીઓ અને કોમેન્ટેટરો પણ સામેલ છે.

ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરનારા વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતે કહ્યું હતું કે તેમને બહારના શોરબકોરની ચિંતા નથી તેમનું ધ્યાન ફક્ત પોતાની ટીમની જીત ઉપર હોય છે. આ સાંભળીને સુનીલ ગાવસ્કર ઉકળી ગયા હતા અને તેમણે પણ સમગ્ર કોમેન્ટ્રી ટીમ વતી વિરાટ કોહલીને જવાબ આપ્યો હતો.

આ રીતે ઉભો થયો હતો આ વિવાદ. કોહલી-ગાવસ્કર વિવાદમાં આમ તો ઘણા જાણીતા ક્રિકેટરોએ પોતાનું મંતવ્ય આપ્યું હતું પરંતુ જ્યારે વસીમ અક્રમ કશું બોલે તો તેનું મહત્વ વધી જતું હોય છે. વસીમ અક્રમે જણાવ્યું હતું કે, ‘બંને મહાન ખેલાડી છે. સની ભાઈને હું એક ક્રિકેટર એક વ્યક્તિ તરીકે મેદાનની અંદર અને મેદાનની બહાર બંને તરફે બહુ સારી રીતે જાણું છું. એક કોમેન્ટેટર તરીકે તેઓ ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યા છે. જો વિરાટની વાત કરું તો તે એક ટોચનો ખેલાડી છે અને હાલના સમયના મહાન ક્રિકેટરોમાંથી એક છે. આટલું જ નહીં પરંતુ તેમને ઓલ ટાઈમ ગ્રેટ ક્રિકેટર્સની યાદીમાં પણ સામેલ કરી શકાય છે. પરંતુ કોહલીએ આમ નહોતું કહેવું જોઈતું.’

અક્રમે આગળ કહ્યું હતું કે, ‘એક કોમેન્ટેટરનું કામ હોય છે કે જો કોઈ બેટ્સમેન ધીમી ઇનિંગ રમશે તો તે એ વાતને કહેશે. પરંતુ એ વાતને છોડો. કોહલી એ પ્રકારના ખેલાડી નથી. બંને મહાન ખેલાડીઓ છે અને બહુ જલ્દીથી તેઓ આ વિવાદને પાછળ મુકીને આગળ વધી જશે. મને નથી લાગતું કે બંનેમાંથી કોઇપણ આ વાતને વ્યક્તિગતરીતે મનમાં લેશે. હું બંનેને બહુ સારી રીતે ઓળખું છું.

Back to top button