ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડવા પડાપડી, પહેલા જ દિવસે 2 ફોર્મ ફરાયા તો 14એ ખરીદ્યા

  • વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાની રેસ નોમિનેશનના પહેલા જ દિવસે જોવા મળી
  • 14 લોકોએ ફોર્મ ખરીદ્યા તો 2 લોકોએ તો ઉમેદવારી પણ નોંધાવી દિધી

વારાણસી, 7 મે: દેશની સૌથી VIP લોકસભા બેઠક વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાની રેસ નોમિનેશનના પહેલા જ દિવસે જોવા મળી રહી છે. જાહેરનામું બહાર પડતાની સાથે જ લોકો ફોર્મ ખરીદવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. મંગળવારે 14 લોકોએ ફોર્મ ખરીદ્યા હતા. બે ઉમેદવારોએ તો ઉમેદવારી પણ નોંધાવી છે. જ્યારે 55 લોકોના ટ્રેઝરી ચલણ મળ્યા છે. અહીંથી કોંગ્રેસે ફરી એકવાર યુપી અધ્યક્ષ અજય રાયને પીએમ મોદી સામે મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે તેમને સપાનું સમર્થન પણ છે. બસપાએ બે વખત ઉમેદવાર બદલ્યા બાદ અથર જમાલ લારી પર દાવ લગાવ્યો છે. PM મોદી નામાંકનના અંતિમ દિવસે એટલે કે 14 મેના રોજ પોતાનું નામાંકન દાખલ કરશે.

આ વખતે લોકોમાં પ્રખ્યાત સ્ટેન્ડ અપ કોમેડિયન શ્યામ રંગીલાએ પણ અહીંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગત વખતે બરતરફ કરાયેલા BSF કોન્સ્ટેબલ તેજ બહાદુર યાદવે નામાંકન ભરીને હલચલ મચાવી દીધી હતી. ત્યારે સપાએ અંતિમ ક્ષણોમાં તેજ બહાદુર યાદવને સમર્થન આપ્યું હતું. પરંતુ બાદમાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.

વારાણસીમાં 1 જૂને મતદાન

મંગળવારે વારાણસીમાં નોમિનેશન નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 14 મે સુધી ફોર્મ ભરી શકાશે. 11મી અને 12મી મેના રોજ બીજા શનિવાર અને રવિવારના દિવસે કોઈ નોમિનેશન થશે નહીં. 15મીએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 17મી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. વારાણસીમાં 1 જૂને મતદાન થશે. મંગળવારે પ્રથમ દિવસે કોલી શેટ્ટી શિવકુમારે પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી હતી. તેમના પછી બહાદુર આદમી પાર્ટીના અભિષેક પ્રજાપતિએ બીજું નામાંકન કર્યું છે.

આ લોકોએ પ્રથમ દિવસે જ ફોર્મની કરી ખરીદી

નોમિનેશનના પ્રથમ દિવસે જ વિંધ્યાચલ પાસવાન ઈન્ડિયન રિપબ્લિકન પાર્ટી, સંજય કુમાર તિવારી અપક્ષ, અભિષેક પ્રજાપતિ બહાદુર આદમી પાર્ટી, નરસિંહ અપક્ષ, રામકુમાર જયસ્વાલ અપક્ષ, અવચિત્રરાવ શામ જન સેવા ગોંડવાના પાર્ટી, પારસ નાથ કેસરી રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રિય સમાજવાદી પાર્ટી, ક્રાંતિકારી પાર્ટી જનસેવા પાર્ટી, જવાન પાર્ટી, શંકર શર્મા અપક્ષ, સુનિલ કુમાર ઈન્ડિયન નેશનલ સમાજ પાર્ટી, અજય ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને રણવીર સિંહ સંજોગ જનદેશ પાર્ટીએ ઉમેદવારી નોંધાવવાના ફોર્મ ખરીદ્યા છે.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદીએ 10 વર્ષમાં 22 લોકોને અબજોપતિ બનાવ્યા, અમે કરોડો લોકોને લખપતિ બનાવીશું: રાહુલ ગાંધી

Back to top button