ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

10 વર્ષના બાળકે સંભાળી ઘરની જવાબદારી! વીડિયો જોઈને ઉદ્યોગપતિનું પિગળ્યું દિલ

  • આનંદ મહિન્દ્રાએ 10 વર્ષીય છોકરાના શિક્ષણમાં મદદ કરવાનું કર્યું એલાન 

HD ન્યૂઝ ડેસ્ક, 7 મે: ફરી એક વાર જવાબદારી સાથે જોડાયેલી એક હૃદયસ્પર્શી કહાની સોશિયલ મીડિયા પર લોકોને ભાવુક બનાવી રહી છે. વાયરલ થઈ રહેલા આ હૃદયસ્પર્શી વીડિયોમાં એક 10 વર્ષના માસૂમ છોકરાની કહાની વર્ણવવામાં આવી છે, જેણે પિતાના મૃત્યુ બાદ પરિવારની જવાબદારી પોતાના ખભા પર લીધી છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ સોશિયલ મીડિયા સાઇટ X પર આ વીડિયો શેર કર્યો છે અને લોકોના દિલ જીતી લેનારી વાત કહી છે.

થોડી જ વારમાં છોકરાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ 

વીડિયોમાં 10 વર્ષનો છોકરો રોડ કિનારે રોલ વેચતો જોવા મળે છે. થોડી જ વારમાં આ છોકરાનો વીડિયો ઈન્ટરનેટ પર એટલો વાયરલ થઈ ગયો કે, તે ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ આનંદ મહિન્દ્રા સુધી પહોંચી ગયો, ત્યારબાદ તેમણે આ છોકરાની કહાની સાંભળીને મદદનો હાથ લંબાવ્યો છે. છોકરાએ જણાવ્યું કે, કેવી રીતે તેના પિતાના અવસાન બાદ સમગ્ર પરિવારની જવાબદારી તેના ખભા પર આવી ગઈ. હવે તે પોતાનું અને તેની બહેનનું ભરણપોષણ કરવા માટે આ રોલ્સ વેચી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ છોકરાનો વીડિયો પહેલા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યો હતો.

2 મિનિટના આ વીડિયોમાં છોકરાએ જણાવ્યું કે, પહેલા તેના પિતા રોલ વેચતા હતા, પરંતુ તેના મૃત્યુ બાદ હવે તે આ કામ કરે છે. હવે પરિવારની જવાબદારી તેના પર છે. બાળકે વધુમાં કહ્યું કે, તેની માતા તેની સાથે રહેતી નથી. રોલ વેચવા ઉપરાંત તે ત્યાં જ અભ્યાસ પણ કરે છે. આગળ વીડિયોમાં તમે જોશો કે શેરીમાં આવેલા એક વ્યક્તિએ બાળકને પૂછ્યું કે, આટલી નાની ઉંમરમાં આટલી મહેનત કરવાની હિંમત ક્યાંથી આવી, જેના પર બાળકે કહ્યું કે, ‘હું ગુરુ ગોવિંદ સિંહનો પુત્ર છું. જ્યાં સુધી મારામાં તાકાત છે ત્યાં સુધી હું લડીશ.

આનંદ મહિન્દ્રાએ છોકરાનો વીડિયો શેર કર્યો 

X પર માસૂમ છોકરાનો વીડિયો શેર કરતા આનંદ મહિન્દ્રાએ આ છોકરા વિશે માહિતી માંગી છે. તેમણે કહ્યું છે કે, તે આ બાળકને મદદ કરવા માંગે છે. વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘હિંમત તારું નામ જસપ્રીત છે, પરંતુ તેનું ભણતર બગાડવું જોઈએ નહીં. મને એવું લાગે છે કે તે દિલ્હીના તિલક નગરનો છે. જો કોઈની પાસે તેનો કોન્ટેક્ટ નંબર હોય તો શેર કરો. મહિન્દ્રા ફાઉન્ડેશનની ટીમ તેને શોધી કાઢશે કે અમે તેના શિક્ષણમાં કેવી રીતે મદદ કરી શકીએ. પોસ્ટ જોનાર એક યુઝરે લખ્યું, ‘હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી વીડિયો, ક્યારેય હાર માનો નહીં.‘ અન્ય એક યુઝરે લખ્યું, ‘બાળકે મને રડાવ્યો. મને આશા છે કે આનંદ મહિન્દ્રા આ બહાદુર છોકરા સુધી પહોંચશે અને દરેક શક્ય રીતે મદદ કરશે.”

આ પણ જુઓ: તો પ્લેટફોર્મ પર ટીટી દોડીને આવશે તમારી પાસે, રાત્રે ટોર્ચ પણ બતાવશે, જાણો રેલવેનો નિયમ

Back to top button