IPL-2024નેશનલસ્પોર્ટસ

નાઈટ રાઈડર્સ ટોપ ઉપર પહોંચ્યા; લખનઉની આશાને જબરદસ્ત ઝટકો

Text To Speech

6 મે, લખનઉ: IPL 2024 હવે એવા તબક્કે આવીને ઉભી છે કે ટોચની ટીમો માટે તેમની દરેક મેચો અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. હવે આ ટીમો માટે ફક્ત જીત જ મહત્વની નથી પરંતુ તેમના નેટ રનરેટને કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન પણ તેમણે રાખવાનું છે. આવામાં ગઈકાલે લખનઉની આશાને ગઈકાલે રાત્રે ત્યારે જબરદસ્ત ઝાટકો લાગ્યો હતો જ્યારે તેઓ કોલકાતા સામે 98 રને હારી ગયા હતા.

ટોસ હાર્યા પછી પહેલી બેટિંગ લેતા નાઈટ રાઈડર્સના ઓપનરોએ ફરીથી ટીમને ધમાકેદાર શરૂઆત આપી હતી. ખાસ કરીને સુનીલ નારાયણે ફરીથી ફટાફટ રન્સ બનાવીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ઓપનર્સ બાદ રઘુવંશી, રસલ અને રીંકુ સિંઘ ઝડપથી રન બનાવવાના ચક્કરમાં તરત આઉટ થઇ ગયા હતા.

છેલ્લી ઓવર્સમાં નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ ઐયર અને ઓલરાઉન્ડર રમનદીપ સિંગે લખનઉની બોલિંગને છેલ્લો ફટકો આપતાં ધુંવાધાર બેટિંગ કરીને ટીમને 235 રન્સના વિશાળ સ્કોર ઉપર પહોંચાડી દીધી હતી. આ જ સિઝનમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જ એક વિશાળ સ્કોરનો પીછો કરતા મેચ જીતી લીધી હતી.

પરંતુ લખનઉ જાણેકે વગર કોઈ પ્લાને રન ચેઝ કરવા ઉતર્યું હોય તેમ તેણે બેટિંગ શરુ કરી હતી. કેપ્ટન કેએલ રાહુલ અને માર્કસ સ્ટોઈનીસે બાજી સંભાળવાનો પ્રયાસ જરૂર કર્યો હતો પરંતુ તેમના સિવાયના બેટરોએ ખરાબ શોટ્સ મારીને પોતાની વિકેટો ધરી દીધી હતી.

બેટિંગ બાદ બોલિંગમાં પણ સુનીલ નારાયણ છવાઈ ગયો હતો અને 4 ઓવર્સમાં ફક્ત 22 રન આપીને તેણે 1 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ પણ 3 વિકેટ લીધી હતી. પરંતુ આ મેચની હાઈલાઈટ રહી હતી સ્ટાર્કની બોલિંગમાં રમનદીપ સિંઘે અર્શીન કુલકર્ણીનો કરેલો અદ્ભુત કેચ! જે પ્રકારે આ કેચ કરવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે કે આ કેચ IPLની આ સિઝનનો સર્વશ્રેષ્ઠ કેચ બની રહેશે.

લખનઉ આ મેચ 98 રને હારતા તેની નેટ રનરેટને જબરદસ્ત ધક્કો પહોંચ્યો છે. આ મેચ પહેલા લખનઉ પોઈન્ટ્સ ટેબલ પર ચોથા સ્થાને હતી પરંતુ હવે તે પાંચમાં સ્થાને છે. અગાઉ પાંચમાં સ્થાને રહેલી સન રાઈઝર્સ હૈદરાબાદની ટીમ હવે ચોથા સ્થાને આવી ગઈ છે અને તેણે લખનઉ સુપર જાયન્ટ્સ કરતાં એક મેચ ઓછી રમી છે.

Back to top button