ભારત જેવા દેશોમાં ઘણી તકો: અબજોપતિ રોકાણકાર વોરેન બફેટ
- ભારતીય બજારમાં ઘણી તકો રહેલી છે, જે તેમના ગ્રુપની હોલ્ડિંગ કંપની બર્કશાયર હેથવે ભવિષ્યમાં શોધવા માંગે છે: વોરેન બફેટે ભાવિ રોકાણ તરફ કર્યો ઈશારો
HD ન્યૂઝ ડેસ્ક, 6 મે: અબજોપતિ રોકાણકાર વોરેન બફેટે ભારત અંગે મોટું અને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વોરેન બફેટની આ ટિપ્પણી શુક્રવારે બર્કશાયરની વાર્ષિક મીટિંગ દરમિયાન આવી હતી. મિટિંગ દરમિયાન ભારતીય ઇક્વિટીમાં રોકાણ કરનારા યુએસ સ્થિત હેજ ફંડ વિઝનરી એડવાઈઝર્સના રાજીવ અગ્રવાલે વોરેન બફેટને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતમાં બર્કશાયરની સંભાવનાઓ વિશે પૂછ્યું હતું. જેના જવાબમાં વોરેન બફેટે કહ્યું હતું કે, ભારતીય બજારમાં “અનશોધિત” તકો રહેલી છે, જે તેમના ગ્રુપની હોલ્ડિંગ કંપની બર્કશાયર હેથવે ભવિષ્યમાં શોધવા માંગે છે.
બર્કશાયર હેથવેના CEOએ શું કહ્યું?
બફેટે વધુમાં કહ્યું કે, “તે ખૂબ જ સારો પ્રશ્ન છે. મને ખાતરી છે કે ભારત જેવા દેશોમાં ઘણી તકો છે.” બર્કશાયર હેથવેના સહ-સ્થાપક, ચેરમેન અને સીઈઓએ જણાવ્યું હતું કે, “જો કે, પ્રશ્ન એ છે કે શું અમારી પાસે ભારતમાં તે વ્યવસાયો વિશે કોઈ કડી કે આંતરદ્રષ્ટિ છે અથવા કોઈ સંપર્ક છે, જે બર્કશાયરની ભાગીદારી દ્વારા વ્યવહારને શક્ય બનાવી શકે.” તેમણે વધુમાં કહ્યું કે, બર્કશાયરમાં વધુ મહેનતુ મેનેજમેન્ટ તેને આગળ લઈ જઈ શકે છે.”
બર્કશાયરની વિશ્વભરમાં ખૂબ જ ઊંચી પ્રતિષ્ઠા છે: બફેટ
93 વર્ષીય બફેટે કહ્યું કે, “બર્કશાયરની વિશ્વભરમાં ખૂબ જ ઊંચી પ્રતિષ્ઠા છે. જાપાનમાં તેનો અનુભવ ઘણો રસપ્રદ રહ્યો છે.” ભારત વિશે, તેમણે કહ્યું, “એવું હોય શકે છે કે કોઈ એવી તક હોય કે જેની શોધ થઈ શકી ન હોય અથવા તો તેના પર ધ્યાન આપવામાં આવ્યું ન હોય… પરંતુ ભવિષ્યમાં આ તક શોધ થઈ શકે છે.” બફેટે હાલમાં જ બર્કશાયર હેથવે દ્વારા લેવામાં આવેલા થોડા પ્રમુખ રોકાણ અંગેના નિર્ણયો સંબંધિત ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા.
વોરેન બફેટને એપલમાં પોતાનો હિસ્સો ઘટાડવા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવતા બફેટે સ્પષ્ટ કર્યું કે, તેના શેરનો લાંબા ગાળાના અંદાજ સાથે કોઈ સંબંધ નથી અને હાલમાં મંદી હોવા છતાં, Apple તેની સૌથી મોટી હોલ્ડિંગમાંની એક બની રહેશે. તેમણે શેરધારકોને એમ પણ કહ્યું કે, ચેરમેન ગ્રેગ એબેલ અને અજિત જૈને તેમના ગયા પછી બર્કશાયરનું નેતૃત્વ કરવા માટે પોતાને સાબિત કર્યું છે.
આ પણ જુઓ: અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષામાં ચૂક ! વ્હાઇટ હાઉસના ગેટ સાથે અથડાઇ કાર, ડ્રાઇવરનું મોત