ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર શાંતઃ સભા, સરઘસ, રેલી અને લાઉડ સ્પીકર પર પ્રતિબંધ
અમદાવાદ, 5 મે 2024, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવામાં આવશે. આ સમયગાળામાં પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત કલ્યાણ મંડપો, સામુદાયિક હૉલ, સમાજની વાડીઓ વગેરે મકાનની હદમાં, હૉસ્ટેલ્સ તથા ધર્મશાળાઓમાં લોકસભા મતદાર વિભાગ સિવાયની બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. લોકસભા મતદાર વિભાગમાં ચેક-પોસ્ટો ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવર- જવરની પણ તપાસ કરવામાં આવશે.
48 કલાકમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વાત કરતાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે,રાજ્યમાં કોઈપણ જગ્યાએ અનિચ્છનિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પુરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં ‘ડ્રાય-ડે’ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા 48 કલાકમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. ઉપરોક્ત બાબતનો સંપૂર્ણ અમલ થાય તે માટે સંબંધિતોને સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન જેવા તમામ ઈલેક્ટ્રોનિક મીડિયા પર ચૂંટણી સંબંધિત કોઈપણ બાબતોનું પ્રસારણ પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત પ્રિન્ટ મીડિયામાં આ સમયગાળા દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા પ્રિ-સર્ટિફિકેશન કરાયું ન હોય તેવી જાહેરાતો પ્રકાશિત કરી શકાશે નહીં.
175 જેટલા આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં
અધિક મુખ્ય નિર્વાચન અધિકારીએ કહ્યું હતું કે, રાજ્યમાં તમામ મતદાન મથક સ્થળોએ વોટર આસિસ્ટન્સ બૂથ ઊભા કરવામાં આવ્યા છે. આ બુથ ખાતે બી.એલ.ઓ ઉપસ્થિત રહેશે અને મતદારોને તેમનો ચોક્કસ મતદાન મથક નંબર અને ચોક્કસ રૂમ તેમજ મતદાર યાદીમાં તેમનો અનુક્રમ નંબર વગેરે માહિતી પૂરી પાડશે. મતદારોને મતદાન કરવામાં સુલભતા રહે તે માટે તમામ મતદાન મથકો ભોંયતળીયે બનાવવામાં આવ્યા છે. આ મતદાન મથકો પર જરૂરી સાઈનબોર્ડ્સ, વેઈટીંગ એરીયા તરીકે મંડપની વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે રેમ્પની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્રની સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત જે તે વિસ્તારની સંસ્કૃતિ અને ખાસિયત મુજબ 175 જેટલા આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ વેરાવળમાં કોંગ્રેસના જૂથવાદનો AAPના નેતા જગમાલ વાળાએ જાહેરમાં ઘટસ્ફોટ કર્યો