વેરાવળમાં કોંગ્રેસના જૂથવાદનો AAPના નેતા જગમાલ વાળાએ જાહેરમાં ઘટસ્ફોટ કર્યો
વેરાવળઃ 5 મે 2024, ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસના આંતરિક જૂથવાદનો આમ આદમી પાર્ટીના નેતા જગમાલ વાળાએ જાહેર સભામાં જ ઘટસ્ફોટ કર્યો હતો. વેરાવળમાં યોજાયેલી જાહેરસભામાં AAPના નેતા જગમાલ વાળાએ જણાવ્યું કે, સોમનાથના ધારાસભ્યએ દગો કર્યો છે ક્યાંય દેખાતા નથી અને અર્ધસરકારી બની ગયા છે. તેનો વળતો જવાબ આપતા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે, મને બદનામ કરવા માટે જગમાલ વાળાએ આવું નિવેદન કર્યું છે જગમાલ વાળા જ ભાજપના માણસ છે. સામસામા આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં હડકંપ મચી ગયો છે.
ગીર સોમનાથના ધારાસભ્યએ કોંગ્રેસ પાર્ટી જોડે દગો કર્યોઃ જગમાલ વાળા
ગીર-સોમનાથ જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતા જગમાલ વાળા અને કોંગ્રેસના વિમલ ચુડાસમાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઇ કાલે વેરાવળમાં કોંગ્રેસની સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ અને આપના નેતાઓ હાજર રહ્યા હતા.વેરાવળની આ સભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાનું એક ચોંકાવનારુ નિવેદન સામે આવ્યુ છે. જગમલ વાળાએ ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને નિશાન બનાવતા કહ્યું કે, સૌરાષ્ટ્રભરમાં કોંગ્રેસનો એક જ ધારાસભ્ય છે અને એ પણ અર્ધસરકારી થઇ ગયા છે. અત્યારે ક્યાંય દેખાતા નથી. આપણો ઉમેદવાર હીરો છે, જેનું નામ પણ હીરો છે. અહીંના ધારાસભ્ય આવે એટલે હીરા જેવા દેખાય છે જે આવ્યો નથી. અહીંના ગીર સોમનાથના ધારાસભ્યએ કોંગ્રેસ પાર્ટી જોડે દગો કર્યો છે.
જગમાલ વાળા મને ખોટી રીતે બદનામ કરે છેઃ ચુડાસમા
સોમનાથ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ જગમાલ વાળાના આ ચોકાવનારા નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહીશ. હું ચોરવાડ મત વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યો છું. ઉપરાંત ભાજપના ઉમેદવારનું પણ વતન ચોરવાડ હોવાથી મારા મત વિસ્તારમાં હું કોંગ્રેસનો જ ચૂંટણી પ્રચાર કરી રહ્યો છું. જગમાલ વાળા ભાજપના જ માણસ છે અને બંધ બારણે ભાજપ સાથે જોડાયેલા છે. ગત વિધાનસભામાં મારી સામે ઉમેદવારી કરી હતી, પરંતુ તેની ગાડી માત્ર 34,000 મતે જ અટકી ગઈ હતી એટલે જગમાલ વાળા મને ખોટી રીતે બદનામ કરવા માટે આવા નિવેદનો કરે છે.
આ પણ વાંચોઃકોંગ્રેસે જેપી નડ્ડા સહિત ભાજપના 3 નેતાઓ સામે ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ, જાણો શું છે કારણ