T-20 વર્લ્ડ કપનેશનલસ્પોર્ટસ

Women’s T20 World Cup 2024 શેડ્યુલની જાહેરાત – ભારતીય ટીમની મેચો ક્યારે?

અમદાવાદ, 5 મે, 2024: ICC દ્વારા આ વર્ષના અંતભાગમાં રમાનારા Women’s T20 World Cup માટેના શેડ્યુલની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે આ વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં રમાવાનો છે. વર્લ્ડ કપની શરૂઆત 3 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની મેચ સાથે થશે.

ઓસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટને છ વખત જીતી ચુક્યું છે અને તે પોતાની પહેલી મેચ ક્વોલિફાયર – 1 સામે રમીને કરશે.

ભારતની ટીમને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને ક્વોલિફાયર – 1 સાથે ગ્રુપ Aમાં સ્થાન મળ્યું છે. જ્યારે B ગ્રુપમાં સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ અને ક્વોલિફાયર – 2 રહેશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય વિમેન્સ ટીમે તેનું સહુથી બહેતર પ્રદર્શન 2020માં કર્યું હતું જ્યારે તે ફાઈનલ સુધી પહોંચી હતી.

ભારતીય વિમેન્સ ટીમ આ વર્લ્ડ કપની તેની પહેલી મેચ ન્યુઝીલેન્ડ સામે 4 ઓક્ટોબરે સિલ્હટમાં કરશે. એક રીતે જોવા જઈએ તો ભારતની મહિલા ટીમ પોતાની તમામ ગ્રુપ મેચો આ સિલ્હટમાં જ રમશે. ટુર્નામેન્ટનું બીજું વેન્યુ ઢાકા છે.

Women’s T20 World Cup શેડ્યુલ વિશે વાત કરીએ તો દરેક ટીમ ચાર-ચાર ગ્રુપ મેચો રમશે. બંને ગ્રુપની 2 ટોપની ટીમો સેમીફાઈનલમાં પહોંચશે. સેમીફાઈનલ 17 અને 18 ઓક્ટોબરે રમાશે અને ફાઈનલ 20 ઓક્ટોબરે ઢાકામાં રમાશે.

આ ટુર્નામેન્ટ 19 દિવસ ચાલશે અને તેમાં 23 મેચ રમશે. વરસાદને કારણે જો બંને સેમીફાઈનલ અને ફાઈનલમાં વિઘ્ન પડે તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે.

Women’s T20 વર્લ્ડ કપમાં ભારતની મેચોનું શેડ્યુલ

4 ઓક્ટોબર: ન્યૂઝીલેન્ડ સામે

6 ઓક્ટોબર: પાકિસ્તાન સામે

9 ઓક્ટોબર: ક્વોલિફાયર – 1

13 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા સામે

એક રીતે જોઈએ તો આ ટુર્નામેન્ટમાં પહેલેથી જ ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે અને આ વર્ષે પણ એમ થવાની આશા રાખવામાં આવી રહી છે.

આપણને ખ્યાલ જ છે કે આ વર્ષે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં પુરુષોનો પણ વર્લ્ડ કપ રમાવાનો છે. આ ટુર્નામેન્ટ માટે અત્યારે તો ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાને પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. જ્યારે ટીમ ઇન્ડિયાને ડાર્ક હોર્સ ગણાઈ રહી છે.

પુરુષો અને મહિલાઓ આ બંનેનાં વર્લ્ડ કપની એક સામાન્ય બાબત એ રહેવાની છે કે આ બંને ટુર્નામેન્ટની પીચો ધીમી અને સ્પિનરોને મદદ કરે તેવી રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ‘ઈ સાલા કપ નમ દે’? આ રહી RCBની પ્લે ઓફ્સમાં રમવાની શક્યતાઓ

Back to top button