છેલ્લા 16 વર્ષથી IPL રમાય છે અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલા વર્ષથી જ આ ટુર્નામેન્ટનો ભાગ છે. દર વર્ષે આ ટીમના સમર્થકો ‘ઈ સાલા કપ નમ દે!’ (આ કન્નડ વાક્ય છે જેનો અર્થ થાય છે- આ વર્ષે કપ જીતીશું) કહીને ટુર્નામેન્ટની શરૂઆત કરે છે અને દર વર્ષે તેઓ નિરાશ થાય છે.
આ વર્ષે પણ RCBની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એમ કહો ને કે તેણે આ વર્ષે ફરીથી ખરાબ દેખાવ કર્યો છે. હજી ગઈકાલ સુધી તો RCB પોઈન્ટ્સ ટેબલ પર છેક છેલ્લા નંબરે હતી. પરંતુ ગુજરાત ટાઈટન્સ સામેની મેચ મોટા માર્જીનથી જીતીને હવે તે સાતમા સ્થાને આવી ગયું છે.
હવે RCBની ત્રણ મેચો બાકી છે અને આ ત્રણ મેચો તેણે અનુક્રમે પંજાબ, દિલ્હી અને ચેન્નાઈ સામે રમવાની છે. હવે સહુથી પહેલા તો RCBએ આ ત્રણેય મેચો તો જીતવાની જ છે. જો એમ થશે તો તે 14 પોઈન્ટ્સ થશે. છેલ્લા ત્રણ વર્ષથી IPLમાં 10 ટીમો રમે છે અને એથી પ્લે ઓફ્સમાં ક્વોલીફાય થવા માટે 14 પોઈન્ટ્સ પૂરતા નથી હોતા.
હવે બાકીની ટીમોની પરિસ્થિતિ જોઈએ તો રાજસ્થાન અને કોલકાતા પાસે અનુક્રમે 16 અને 14 પોઈન્ટ્સ છે અને આ બંને ટીમો તો ક્વોલીફાય થઇ જ જશે. હવે જો એમ વિચારીએ કે RCB તેની બાકીની ત્રણેય મેચો જીતી જશે તો હૈદરાબાદ અને લખનઉએ તેની બાકીની ચાર મેચોમાંથી એકથી વધુ મેચ ન જીતવી જોઈએ. આમ થવાથી આ બંને ટીમો બેંગ્લુરુની સાથે 14 પોઈન્ટ્સ પર પોતાની IPLની લીગ મેચો પૂરી કરશે.
ચેન્નાઈ અને દિલ્હી જે અત્યારે 10 પોઈન્ટ્સ પર છે તેમણે પણ પોતાની મેચોમાંથી 2થી વધુ ન જીતવી જોઈએ અને પંજાબે પણ બાકીની 4 મેચોમાંથી 3 જ જીતવાની રહે. આમ કરવાથી આ ત્રણ ટીમો પણ કુલ 14 પોઈન્ટ્સ જ મેળવશે.
આમ આ રીતે RR, KKR સિવાય બાકીની બધી જ ટીમો RCB સાથે 14 પોઈન્ટ્સ પર આવી જશે અને ત્યાર બાદ નેટ રન રેટની ગણતરી થશે. આ સમયે જો RCBનો નેટ રન રેટ આ બાકીની ટીમો કરતાં બહેતર હશે તો RCB પ્લે ઓફ્સમાં ક્વોલીફાય થઇ જશે.
જો કે આ બધી આંકડાકીય શક્યતાઓ છે અને ક્રિકેટની રમત કેલ્કયુલેટર પર નહીં પરંતુ મેદાનમાં રમાય છે. આથી RCB અને તેના ફેન્સ માટે ઈ સાલા કપ નમ દે આ વર્ષે પણ અઘરું લાગે છે.
આ પણ વાંચોઃ ગરીબી મેં આટા ગીલા: આવતે વર્ષે PSL-IPL ટકરાશે; PCBની મુશ્કેલી વધી