રાજકોટ લોકસભા બેઠકઃ રૂપાલા જીતશે કે ક્ષત્રિયો? જાણો સ્થળ પરની સ્થિતિ
5 મે 2024 રાજકોટ: 2024 લોકસભા ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક પર કુલ 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવા જઈ રહ્યો છે. જેમાંથી બે મુખ્ય પક્ષો ભાજપમાંથી પરશોત્તમ રૂપાલા અને કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી વચ્ચે સીધી ટક્કર થશે. તેવામાં છેલ્લા ઘણાં સમયથી રાજકોટ લોકસભા ભાજપનો ગઢ રહી છે. કારણ કે આ બેઠક પરથી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટાઈ આવ્યા હતા. આ વખતે ક્ષત્રિય આંદોલન પણ એક અલગ મુદ્દો બન્યો છે. તેવામાં ક્ષત્રિય આંદોલન ભાજપને અસર કરશે કે નહિ અને કરશે તો કેટલું કરશે તેવામાં તેનો લાભ કોંગ્રેસ ઉઠાવી શકશે કે નહિ આ પ્રશ્નો આખા ગુજરાત ઉપરાંત રાષ્ટ્રના નાગરિકોને પણ થઈ રહ્યો છે. એ સંજોગોમાં હમ દેખેંગે ન્યૂઝની ટીમે બે દિવસ પહેલા રાજકોટ લોકસભા બેઠકની રુબરુ મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં અમને શું જાણવા મળ્યું? મતદારોનો મૂડ કેવો છે? શું પરેશ ધાનાણી પરષોત્તમ રૂપાલાને હરાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે? ચાલો જાણીએ આ પ્રશ્નોનાં જવાબ.
ભાજપ અને કોંગ્રેસનાં પ્રતિનિધિઓ સાથે ખાસ વાત
રાજકોટ લોકસભા ચૂંટણીને લઈને ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ અમારી ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારના શાસનમાં સરકારની યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. રાજકોટે વિકાસની હરણફાળ ભરી છે. રાજકોટનાં વિકાસની વાત કરીએ તો આજે રાજકોટમાં રોડ રસ્તા વધુ સારા બન્યા છે. રાજકોટને એમ્સ હોસ્પિટલ મળી, હીરાસર નામનું ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું, બ્રિજો બન્યા, વર્ષોથી રાજકોટમાં પાણીની સમસ્યા હતી જેને હલ કરવા સૌની યોજના થકી રાજકોટના છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચાડાયું તેમજ ક્ષત્રિય આંદોલન વિશે તેમણે જણાવતા કહ્યું કે ક્ષત્રિય સમાજ વર્ષોથી ભાજપને જ મત આપે છે. વડાપ્રધાન માટે ક્ષત્રિય સમાજમાં કોઈ નારાજગી નથી. રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી 5 લાખની વધુની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાથે અમારી ટીમે વાત તેઓએ જણાવ્યું હતું કે હું રાજકોટમાં ચૂંટણી લડવા માટે નથી આવ્યો પરંતુ લોકોને ન્યાય અપાવવા આવ્યો છે. રાજકોટમાં મારા ખેડૂતો, મારી બહેનો, મારા યુવાનો વર્ષોથી બેરોજગારીની માર સહન કરી રહ્યા છે તેમને ન્યાય આપવા આવ્યો છું, ક્ષત્રિય સમાજનું અપમાન કરનારાઓને અરીસો બતાવવા આવ્યો છું.
રાજકોટ લોકસભામાં 7 વિધાનસભાનો સમાવેશ
સૌરાષ્ટ્રની રાજધાની તરીકે ઓળખાતી એવી રાજકોટ લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભાઓનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, ટંકારા, વાંકાનેર, જસદણનો સમાવેશ થાય છે. 2022 માં આ લોકસભાની તમામ 7 વિધાનસભા બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો. 2019 લોકસભામાં ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાને રીપીટ કરવામાં આવ્યા હતા અને સામે કોંગ્રેસમાંથી લલિત કથગરા મેદાન હતા જેઓ હાર્યા હતા.
2019 માં મોહન કુંડારીયા 3,68,407 લીડથી જીત્યા
2019 લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠકમાં હાર-જીતની લીડનાં અંતરની વાત કરીએ તો મોહન કુંડારીયાને 7,58,645 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર લલિત કથગરાને 3,90,238 મત મળ્યા હતા. ત્યારે મોહન કુંડારીયા 3,68,407 મતોની લીડથી જીત્યા હતા.
4,56,556 નવા યુવા મતદારો મત આપશે
2024 લોકસભામાં ભાજપમાંથી પરશોત્તમ રૂપાલાને રીપીટ કર્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને પાર્ટીએ નવા ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ અગાઉ ભાજપના મોહન કુંડારીયા સતત 2 ટર્મ સુધી રાજકોટ લોકસભા પર સાંસદ રહ્યા હતા. રાજકોટ લોકસભા બેઠક પર કુલ મતદારોની વાત કરીએ તો 2024માં 21,12,273 કુલ મતદારો નોંધાયા છે. જ્યારે 2019 માં કુલ મતદારોની સંખ્યા 16,55,717 હતી. આ વખતે 4,56,556 કુલ નવા યુવા મતદારો મત આપશે
ભાજપમાંથી પરશોત્તમ રૂપાલાને નવા ઉમેદવાર તરીકે મુકાયા
તો આ રીતે 2014 લોકસભા ચૂંટણીમાં બે મુખ્ય પક્ષો કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયા અને ભાજપના મોહન કુંડારીયા મેદાને હતા જેમાં ભાજપના મોહન કુંડારીયાની જીત થઈ હતી. તેમજ 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત કથગરા અને ભાજપમાં ઉમેદવાર મોહન કુંડારીયા મેદાન હતા. જેમાં ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. તેવી જ રીતે આ વખતે 2024 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી નવા ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી અને ભાજપમાંથી પરશોત્તમ રૂપાલાને નવા ઉમેદવાર તરીકે મુકાયા છે. જ્યારે આ વખતે રાજકોટ લોકસભા બેઠક પર કોણ બાજી મારશે એ જોવાનું રહ્યું?