કેનાલના ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયો યુવક, જીવ બચાવવા પોલીસનું દિલધડક રેસ્ક્યૂ
ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ), 05 મે 2024: ગાઝિયાબાદમાં કેનાલમાં ન્હાવા આવેલા ચાર યુવકોમાંથી એક યુવક પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો હતો. યુવક લાંબા સમય સુધી કેનાલમાં પુલના થાંભલાને પકડીને રહ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલા બે ઈન્સ્પેક્ટરોએ દિલધડક રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરીને યુવકને બચાવ્યો હતો. આ યુવક તેના ત્રણ મિત્રો સાથે કેનાલમાં ન્હાવા આવ્યો હતો. અચાનક કેનાલમાં પાણીનો જોરદાર પ્રવાહ આવ્યો હતો. પાણીના વહેણને જોતા તેના અન્ય મિત્રો જેમ-તેમ જીવ બચાવીને ત્યાંથી નીકળવામાં સફળ રહ્યા જ્યારે તે પાણીમાં ફસાઈ ગયો હતો.
યુવકને દોરડા વડે કેનાલમાંથી બહાર કાઢ્યો
મળતી માહિતી મુજબ, ગરમીથી રાહત મેળવવા માટે મેરઠના ચાર યુવકો મસૂરી તળાવમાં નહાવા આવ્યા હતા. દરમિયાન એક યુવક ધસમસતા પાણીના વહેણમાં ફસાઈ ગયો હતો. મસૂરી પોલીસ સ્ટેશનમાં તૈનાત બે ટ્રેઇની ઇન્સ્પેક્ટર કુલદીપ અને જિતેન્દ્ર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે આવીને યુવકને પાણીમાંથી નીકાળવાના પ્રયાસો હાથ ધર્યા. ફસાયેલા યુવકને દોરડા વડે બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, પોલીસ પૂછપરછ કરે તે પહેલા જ ચારેય યુવકો ત્યાંથી ભાગી ગયા હતા.
યુવક ફસાઈ જતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોની ભીડ એકઠી જામી ગઈ ગતી. યુવક પાણીમાં ફસાઈ જતા બઘાના જીવ તાળવે ચોંટ્યા હતા. યુવક ફસાઈ ગયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે, પોલીસ આ ઘટનાં અંગે પૂછપરછ કરે તે પહેલા જ યુવક તેના અન્ય મિત્રો સાથે ત્યાંથી નાસી ભાગ્યો હતો. તેથી પોલીસ આ ઘટનાની વધુ માહિતી મેળવી શકી નથી.
આ પણ વાંચો: Reelsના પાગલપનનો વધુ એક કિસ્સોઃ યુવતી બનાવી રહી હતી રીલ અને પછી…