IPL-2024ટોપ ન્યૂઝનેશનલસ્પોર્ટસ

કોહલી – ગાવસ્કર વચ્ચે ફાટી નીકળેલા વાકયુદ્ધ પાછળનો સંપૂર્ણ મામલો શું છે?

બેંગલુરુ, 5 મે: IPL 2024 હવે તેના ઉત્તરાર્ધ તરફ આગળ વધી રહી છે. આ વર્ષે ખૂબ મોટા મોટા સ્કોર્સ બન્યા અને તેનો એક વખત સફળ પીછો પણ થયો. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે IPLમાં કોઈ વિવાદ ઊભો નહોતો થયો જેની ફરિયાદ હવે કોહલી – ગાવસ્કર વચ્ચે ફાટી નીકળેલા વાકયુદ્ધ પછી દૂર થઇ ગઈ છે.

ચાલો જાણીએ આ એક અનોખા યુદ્ધ વિશે જેની ચર્ચા ગઈકાલે સાંજથી જ સોશિયલ મીડિયામાં થવા લાગી છે.

બન્યું એવું છે કે અત્યારસુધી IPLમાં વિરાટ કોહલીએ રન તો ઘણા બનાવ્યા છે અને અત્યારે એની  પાસે ઓરેન્જ કેપ પણ છે, પરંતુ તેની સ્ટ્રાઈક રેટ હોવી જોઈએ તેવી સંતોષકારક નથી રહી. આ બાબતે કોમેન્ટેટર્સ અને ક્રિકેટ પંડિતોએ તેની ટીકા કરી છે.

પરંતુ ગયા વિકેન્ડમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી લીગ મેચમાં વિરાટ કોહલીએ જબરદસ્ત સ્ટ્રાઈક રેટ સાથે પોતાના રન્સ બનાવ્યા હતા. મેચ પત્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કોમેન્ટેટર્સ અને પંડિતોએ તેના વિશે કરેલી ટિપ્પણી અંગે વિરાટને પૂછવામાં આવ્યું ત્યારે વિરાટે તેનો બળાપો બહાર કાઢ્યો હતો.

વિરાટ કોહલીએ એ પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ‘બહાર બેઠેલા લોકો શું કહે છે તેનાથી મને ફરક નથી પડતો, મારો મુખ્ય હેતુ મારી ટીમને જીતાડવાનો છે અને હું તેના માટે સતત કામ કરતો રહીશ. છેલ્લા 15 વર્ષથી મારું એકમાત્ર લક્ષ્ય ટીમને જીત અપાવવાનું જ છે. કોમેન્ટ્રી બોક્સમાં બેઠા બેઠા બોલવું અને મેદાન પર રમવું બંને અલગ અલગ વાતો છે.’

ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સની મેચ દરમ્યાન ભારતના મહાન બેટર સુનીલ ગાવસ્કરને જ્યારે કોહલીના આ નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગાવસ્કરે જે જવાબ આપ્યો તેને કારણે કોહલી – ગાવસ્કર વચ્ચે વાકયુદ્ધની શરૂઆત થઇ ગઈ છે.

સુનીલ ગાવસ્કરે તમામ કોમેન્ટેટર્સ વતી પક્ષ રાખતા જણાવ્યું હતું કે, ‘જો કોહલીને બહાર લોકો શું બોલી રહ્યા છે તેની પડી ન હોય તો અત્યારે તે શા માટે જવાબ આપી રહ્યા છે? અમે લાંબો નહીં પણ ટૂંકા સમય માટે ક્રિકેટ જરૂર રમ્યું છે અને અમારી પાસે કોઈ એજન્ડા નથી. અમે ફક્ત એ જ કહીએ છીએ જે અમે જોઈએ છીએ. અમે કોઈને શું પસંદ આવશે અને શું નહીં તેની પરવા નથી કરતા. બસ, અમે અમારો મત મુકીએ છીએ.’

આવું જો કે પહેલીવાર નથી બન્યું, અગાઉ પણ કોહલી – ગાવસ્કર વચ્ચે આ પ્રકારે વાકયુદ્ધ થઇ ચુક્યા છે, પરંતુ આ એ જ ગાવસ્કર છે જેઓ ગત T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ દરમ્યાન જ્યારે વિરાટ કોહલીએ ટીમને અશક્ય જીત અપાવી હતી ત્યારે મન મૂકીને સ્ટેડિયમમાં જ નાચ્યા હતા.

આ પણ વાંચોઃ ચેલેન્જર્સ ડગુમગુ થયા પરંતુ ટાઈટન્સની આ વર્ષની સફર પૂરી કરાવીને જ જંપ્યા

Back to top button