કરુણતા: ગુજરાતના આ શહેરમાં ગ્રેચ્યુઈટીની રાહ જોતા બે નિવૃત્ત સફાઈ કામદારોનું અવસાન
- સફાઈ કામદારોને તાકિદે ગ્રેચ્યુઈટી ચૂકવવા પાલિકામાં લેખીત રજૂઆત કરાઈ
- બાકીના સફાઈ કામદારોને તાકિદે ગ્રેચ્યુઈટીની રકમ ચુકવાય તેવી માંગ કરાઈ
- સરકારે આદેશ આપ્યો છે છતાં કામદારો પોતાના હક્ક હિસ્સાથી વંચીત
ગુજરાતના સુરેન્દ્રનગર શહેરમાં ગ્રેચ્યુઈટીની રાહ જોતા બે નિવૃત્ત સફાઈ કામદારોનું અવસાન થયુ છે. કામદારોને ગ્રેચ્યુઈટીની રૂપિયા 15 લાખથી વધુની રકમ ચૂકવી નથી. સરકારે આદેશ આપ્યો છે છતાં કામદારોને પોતાના હક્ક હિસ્સાથી વંચીત રહેવુ પડે છે તેવી લોક ચર્ચા શરૂ થઇ છે.
આ પણ વાંચો: અમદાવાદીઓને લાગ્યો લક્ઝયુરિયસ કારનો શોખ, દિલ્હી-ચંડીગઢની સેકન્ડ હેન્ડ ગાડીઓ સસ્તામાં ખરીદાઇ
સફાઈ કામદારોને તાકિદે ગ્રેચ્યુઈટી ચૂકવવા પાલિકામાં લેખીત રજૂઆત કરાઈ
સુરેન્દ્રનગર નગરપાલિકામાં વર્ષો સુધી ફરજ બજાવી નીવૃત થયેલા સફાઈ કામદારોને ગ્રેચ્યુઈટીની રકમ ચૂકવવામાં પાલીકાને પેટમાં દુઃખતુ હોય તેમ રકમ ચૂકવાતી નથી. સફાઈ કામદારોએ મદદનીશ શ્રમ આયુકતનું શરણુ લેતા અને ત્યાંથી પણ પાલિકાને હુકમ કરવા છતાં ગ્રેચ્યુઈટી મળતી નથી. ત્યારે હુકમ થવા છતાં ગ્રેચ્યુઈટી મળે તે પહેલા બે સફાઈ કામદારોના અવસાન થઈ ગયા છે. આથી બાકી રહેલા સફાઈ કામદારોને તાકિદે ગ્રેચ્યુઈટી ચૂકવવા પાલિકામાં લેખીત રજૂઆત કરાઈ છે.
બાકીના સફાઈ કામદારોને તાકિદે ગ્રેચ્યુઈટીની રકમ ચુકવાય તેવી માંગ કરાઈ
અમુક કામદારો તો આ બાબતે પાલીકાને મદદનીશ શ્રમઆયુકતની કચેરીમાં ઢસડી ગયા હતા. જેમાં વર્ષ 2023માં મદદનીશ શ્રમઆયુકત દ્વારા હુકમ કરવા છતાં પાલિકા સફાઈ કામદારોના હક્ક-હીસ્સાની આ રકમ ચુકવવામાં ઠાગાઠૈયા કરે છે. ત્યારે ગ્રેચ્યુઈટીની રાહ જોતા 12 સફાઈ કામદારોમાંથી બે કામદારના તાજેતરમાં અવસાન થઈ ગયા હોવાની રજુઆત ભીખાભાઈ પાટડીયાએ પાલીકાના પ્રમુખ અને ચીફ ઓફીસરને કરી છે. આ રજુઆતમાં જણાવાયા મુજબ હુકમ થયા બાદ તા. 8-12-23, 6-2-24 અને 5-4-2024ના રોજ લેખીત રજુઆત કરવામાં આવી છે. પરંતુ આ રજુઆતો જાણે કચરા ટોપલીમાં ફેંકી દેવાતી હોય તેમ લાગે છે. તાજેતરમાં જ ગ્રેચ્યુઈટીની રાહ જોતા મધુબેન નટુભાઈ અને પારૂલબેન ઓઘડભાઈ નામના સફાઈ કામદારનું કુદરતી અવસાન થયુ છે. ત્યારે બાકીના સફાઈ કામદારોને તાકિદે ગ્રેચ્યુઈટીની રકમ ચુકવાય તેવી માંગ કરાઈ છે.