કોણ છે કિશોરીલાલ શર્મા, જેણે કોંગ્રેસે અમેઠીથી આપી ટિકિટ? જાણો
- કિશોરીલાલ શર્મા રાજીવ ગાંધી સાથે ખાસ સંબંધ ધરાવતા હતા તેમજ ગાંધી પરિવારની ખૂબ જ નજીક છે
નવી દિલ્હી, 3 મે: આખરે, કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશની બહુચર્ચિત અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સોનિયા ગાંધીના રાજ્યસભામાં જવાના કારણે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસે અમેઠી બેઠક પરથી કે.એલ.શર્માને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી લડશે. ટિકિટની વહેંચણી બાદ અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્મા ચર્ચાનો વિષય બની ગયા છે.
#WATCH | Congress leader and candidate from Amethi, Kishori Lal Sharma’s first reaction after the official announcement of the list of party candidates for the upcoming #LokSabhaElections2024 pic.twitter.com/MjSHkkjjF6
— ANI (@ANI) May 3, 2024
કે.એલ.શર્મા ગાંધી પરિવારની નજીક રહેલા છે
કે.એલ.શર્માએ ગાંધી પરિવારના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. મળતી માહિતી અનુસાર, એક સમયે કિશોરીલાલ શર્મા રાયબરેલીના સાંસદ સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ હતા. તેઓ લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટી માટે અમેઠી અને રાયબરેલી બેઠકોનું કામ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમેઠીથી ટિકિટ મળ્યા બાદ પણ તેઓ રાહુલ ગાંધી માટે રાયબરેલીનું કામ જોશે.
રાજીવ ગાંધી પંજાબથી અમેઠી લાવ્યા હતા
કિશોરીલાલ શર્મા મૂળ પંજાબના લુધિયાણાના છે. વર્ષ 1983માં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી કે.એલ.શર્માને અમેઠી અને રાયબરેલી લઈ આવ્યા હતા. રાજીવ ગાંધીના અવસાન પછી કે.એલ.શર્મા ગાંધી પરિવારની વધુ નજીક આવી ગયા છે. જ્યારે ગાંધી પરિવાર પાસે આ વિસ્તારમાંથી કોઈ સાંસદ નહોતા ત્યારે પણ શર્મા અન્ય સાંસદોનું કામ જોતા હતા. આ વિસ્તારમાં કોંગ્રેસની કામગીરી પર તેઓ સતત નજર રાખતા હતા. કે.એલ. શર્મા બિહાર કોંગ્રેસના પ્રભારીનું પદ પણ સંભાળી ચુક્યા છે. આ સિવાય તેઓ પંજાબ કોંગ્રેસ કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે.
અમેઠી-રાયબરેલીમાં ક્યારે છે ચૂંટણી?
લોકસભા ચૂંટણી 2024 કુલ 7 તબક્કામાં યોજાશે. યુપીની 80 અલગ-અલગ સીટો પર સાત તબક્કામાં એક પછી એક ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યા મુજબ, લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલ થઈ ગયું છે. જ્યારે સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. અમેઠી અને રાયબરેલી બંને બેઠકો પર 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થશે. લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને આવશે.
આ પણ જુઓ: રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે ચૂંટણી: આ નેતાને અમેઠીથી મળી ટિકિટ, જાણો