સમર વેકેશનમાં કરો જંગલ સફારીની ટ્રીપ, આ બાબતોનું રાખજો ધ્યાન
- તમે નેચર લવર હો તેમજ એડવેન્ચરસ ટ્રાવેલિંગની મજા લેવા ઈચ્છતા હો તો આ વખતે જંગલ સફારી માટે જઈ શકો છો, જોકે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે.
સમર વેકેશનમાં મોટાભાગના લોકો ક્યાંકને ક્યાંક જવાનો પ્લાન બનાવતા હોય છે. બાળકોને વેકેશન હોય છે અને વાલીઓને થોડી નિરાંત. જો તમે પણ સમર વેકેશનમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હો અને તમે નેચર લવર હો તેમજ એડવેન્ચરસ ટ્રાવેલિંગની મજા લેવા ઈચ્છતા હો તો આ વખતે જંગલ સફારી માટે જઈ શકો છો, જોકે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે.
ભારતની અદ્વિતિય જૈવવિવિધતા ફક્ત આપણા દેશમાં નહીં, પરંતુ દુનિયાભરમાં પણ પ્રસિદ્ધ છે. દર વર્ષે દુનિયાભરમાંથી લાખો પર્યટકો અહીં આવે છે. ભારતના જંગલો દુનિયાભરમાં ફેમસ છે અહીં દુર્લભ જાનવરો પણ મળી આવે છે. લોકો અહીં જંગલની સેર કરે છે.
જો તમે પણ ગરમીની રજાઓમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હો તો જંગલ સફારીની મજા લઈ શકો છો, કેમકે આ માટે તમારે પહેલેથી બુકિંગ કરાવવું પડશે અને કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. દરેક જંગલ સફારીમાં અનુભવી ગાર્ડ્સ અને પાર્ક અધિકારીઓ દ્વારા જારી કરાયેલા સુરક્ષાના આદેશો અને સૂચનાઓનું પાલન કરવું પડશે. આ અંગે પ્રવાસીઓને પહેલેથી જ જાણ કરવામાં આવે છે. તેની સહેજ પણ ઉપેક્ષા માત્ર પ્રવાસીઓ માટે જ નહીં, પરંતુ વન્યજીવોની સુરક્ષા માટે પણ ખતરો સાબિત થઈ શકે છે.
વ્યક્તિગત ગાડીથી જવા પર પ્રતિબંધ
જંગલ સફારીનો પહેલો નિયમ એ છે કે કોઈ પણ વ્યક્તિ અહીં પોતાનું અંગત વાહન લઈને જંગલની અંદર પ્રવેશી શકશે નહિ. આ માટે વન પ્રશાસન દ્વારા જ વાહનો આપવામાં આવે છે. સફારી દરમિયાન રંગબેરંગી ડ્રેસ પહેરવાને બદલે બ્રાઉન અને ગ્રીન કલરના ડ્રેસ પહેરવા જોઈએ જે ત્યાંના વાતાવરણ સાથે મેળ ખાય છે. સફારી દરમિયાન ગાડીમાંથી બહાર ન નીકળવું જોઈએ. પ્રાણીઓને નજીકથી જોવાનો મોહ ન રાખવો. સફારીની ગાડી ખુલ્લી હોય છે, જેમાં તમે આરામથી જંગલી પ્રાણીઓ જોઈ શકો છો.
પ્રાણીઓની નજીક જવાનું ટાળો
એ જરૂરી નથી કે તમને પ્રાણીઓ નજીકથી જોવા મળે, કારણ કે સફારી માટે જંગલની અંદર જે રસ્તો બનાવવામાં આવ્યો છે તે જ રસ્તા પર જવાનું હોય છે. આ રસ્તાઓ પર્યટકોની સુરક્ષા અને વન્યજીવોના રક્ષણ માટે બનાવવામાં આવે છે. ગાડીમાંથી બહાર નીકળીને પ્રાણીને નજીકથી જોવા અથવા નજીકથી તેના ફોટોગ્રાફ્સ લેવાનું પણ ટાળવું જોઈએ. જંગલ સફારીમાં ફ્લેશ ફોટોગ્રાફીની મંજૂરી આપવામાં આવતી નથી, કારણ કે કેમેરાની ફ્લેશથી જાનવરો પરેશાન થઈ શકે છે અને તેઓ ગભરાઈને તમારા પર હુમલો પણ કરી શકે છે.
સફારીમાં કોઈ પણ પ્રકારનું હથિયાર લઈ જવાની પણ મનાઈ હોય છે, તેનાથી વન્યજીવોના જીવને ખતરો હોઈ શકે છે. સફારીનો ઉદ્દેશ્ય વન્યજીવોને દૂરથી જોવાનો હોય છે. તેમને ખૂબ જ નજીકથી જોવાના ચક્કરમાં તેમની પાસે ન જવું જોઈએ, કેમકે તેનાથી તેઓ ડરી શકે છે, તણાવમાં આવી શકે છે અને તમારી પર હુમલો પણ કરી શકે છે.
જો તમારી સાથે કોઈ ગાઈડ હોય, તો તેની પર ખૂબ નજીક જવા માટે દબાણ ન કરો. તેને જોવા માટે દૂરબીન અથવા લાંબા અંતરનો કેમેરા લેન્સ રાખો. સફારીમાંથી ઉતરીને આમતેમ પગપાળા ન ફરો. જો ભૂલથી તમે તમારો રસ્તો ભૂલી જશો તો તમે ખોવાઈ શકો છો. ખતરનાક જીવો જો તમારી સામે આવી જાય તો તમારે જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે. તેનાથી પર્યાવરણનું નાજુક સંતુલન બગડે છે.
પ્રાણીઓને ખલેલ ન પહોંચાડશો
પ્રાણીઓને જોઈને તેમને બોલાવવા કે ભયંકર અવાજો કરવાથી તેમને ખલેલ પહોંચે છે અને આ કારણે
તેમનો કુદરતી વ્યવહાર બગડી શકે છે. તેમની નજીક જઈને બિનજરૂરી અવાજ ન કરવો જોઈએ કે કોઈ સંગીત ન વગાડવું. ઘોંઘાટવાળા ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ છે. જો તમે નજીકમાં પ્રાણીઓ જુઓ છો, તો તેમને ખાવા માટે કંઈ ન આપો. આ તેમની આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે અને તેમના ખોરાક ચક્રમાં ફેરફાર થઈ શકે છે.
આ છે રાજ્યના મુખ્ય જંગલ સફારી
- જવાઈ ડેમ ચિત્તા સંરક્ષણ અનામત, રાજસ્થાન
- કાબિની વન્યજીવ અભયારણ્ય, કર્ણાટક
- જિમ કોર્બેટ નેશનલ પાર્ક, ઉત્તરાખંડ
- રણથંભોર નેશનલ પાર્ક, રાજસ્થાન
- કાઝીરંગા નેશનલ પાર્ક, આસામ
- કાન્હા નેશનલ પાર્ક, મધ્ય પ્રદેશ
- સુંદરવન નેશનલ પાર્ક, પશ્ચિમ બંગાળ
- પેરિયાર નેશનલ પાર્ક, કેરળ
- બાંધવગઢ નેશનલ પાર્ક, મધ્ય પ્રદેશ
- બાંદીપુર નેશનલ પાર્ક, કર્ણાટક
- તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ, મહારાષ્ટ્ર
- પેંચ નેશનલ પાર્ક, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર
આ પણ વાંચોઃ વેકેશનમાં મધ્યપ્રદેશને એક્સપ્લોર કરવા ઈચ્છતા હો તો આ પાંચ જગ્યાની ખાસ લેજો મુલાકાત