ગુજરાત: નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં પરિક્રમાનો કામચલાઉ બ્રિજ ધોવાયો, ભક્તોમાં નારાજગી ફેલાઇ
- શહેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચેનો કામચલાઉ પુલ ધોવાઈ ગયો
- ત્રણ ટર્બાઇનમાંથી 21 હજાર ક્યુસેક પાણી બહાર આવવાની સંભાવના
- તંત્ર દ્વારા પરિક્રમા હાલ પુરતી સલામતી કારણોસર અટકાવવામાં આવી
નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા પરિક્રમાનો કામચલાઉ બ્રિજ ધોવાયો છે. જેમાં ભક્તોમાં નારાજગી ફેલાઇ છે. તેમજ નર્મદા પરિક્રમા બંધ થતાં સાધુ સંતોમાં પણ રોષ છે. નર્મદા કલેક્ટર કચેરી ખાતે વૈકલ્પિક વ્યવસ્થા અંગે સમૂહ મંથન કરાયું છે. તેમજ શહેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચે કામચલાઉ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, 4 શહેરોમાં જંગીસભા સંબોધન કરશે
શહેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચેનો કામચલાઉ પુલ ધોવાઈ ગયો
શહેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચેનો કામચલાઉ પુલ ધોવાઈ ગયેલો નજરે પડે છે. ઈન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે શિડયુલ મુજબ ગત તા. 29/04/2024ના રોજ નર્મદા ડેમ ખાતેનું રિવરબેડ પાવર હાઉસ શરૂ કરાતા 30 હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવા અંગેનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે નદીમાં પાણીની સપાટીમાં વધારો થયો હતો. હાલ ચૈત્ર માસમાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાં માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય, પરિક્રમાં દરમિયાન નદી પાર કરવા માટે શહેરાવ ઘાટ ખાતે બનાવેલો કાચો બ્રિજ પાણીમાં ધોવાઈને ગરકાવ થયો છે. જેને કારણે પરિક્રમા બ્રેક લાગતાં ભક્તો, સાધુ સંતોમાં ભારે નારાજગી ફેલાઇ છે. જેથી આ અંગે વૈકલ્પિક આયોજન માટે નર્મદા કલેક્ટર કચેરી ખાતે સાધુ સંતો અને અગ્રણીઓ દ્વારા સમૂહ ચિંતન-મંથન કરવામાં આવ્યું છે.
ત્રણ ટર્બાઇનમાંથી 21 હજાર ક્યુસેક પાણી બહાર આવવાની સંભાવના
શહેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચે કામચલાઉ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રાત્રે પણ ત્રણ ટર્બાઇનમાંથી 21 હજાર ક્યુસેક પાણી બહાર આવવાની સંભાવના છે. પરિક્રમા કરવા આવતા પરિક્રમાવાસીઓની સલામતી-સાવધાની માટે પરિક્રમાને રૂકાવટ કરવાની વહીવટી તંત્રને ફરજ પડતાં આ નિર્ણય લેવાથી હજારો યાત્રાળુઓના જાન બચવા પામેલ છે. આ અંગે સુચારુ આયોજન કરવા-પુનઃ ચાલુ કરવાના તંત્રના પ્રયત્ન લગાતાર ચાલુ છે.
તંત્ર દ્વારા પરિક્રમા હાલ પુરતી સલામતી કારણોસર અટકાવવામાં આવી
ઉચ્ચકક્ષાએથી માર્ગદર્શન મેળવાઈ રહ્યું છે. તેના આધારે આયોજન કરવામાં આવશે. હવે માત્ર એક સપ્તાહનો જ સમય બાકી રહ્યો છે. પરિક્રમા દરમિયાન કોઈ ડિઝાસ્ટરની ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા હાલ પુરતી સલામતી કારણોસર અટકાવવામાં આવી છે. જેને લોકોએ પણ સરાહનીય ગણાવ્યો છે. જે કોઈ પરિક્રમાવાસીઓ ગઈકાલે આવી ગયા હતા, તેમને સલામત રીતે પસાર કરીને તેમની જાન બચાવવાનો સરાહનીય પ્રયાસ ઘાટ ઉપર તૈનાત કર્મીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.