વડોદરામાં 3 પોલીસકર્મીએ આમલેટ વેચતા યુવકને ગળુ પકડી વાનથી 2 કિમી સુધી ઢસડ્યો
વડોદરા, 1 મે 2024, રેલવે સ્ટેશન પાસે આમલેટની લારી ચલાવતા યુવકને સયાજીગંજ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સહિત ત્રણ કર્મચારીઓએ ઢોર માર મારતા ચકચાર માચી ગઈ છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, ફૈઝાનને પોલીસ કર્મીઓએ પોલીસ વાનની સાથે ઢસડ્યો હતો. જેના કારણે તેની હાલત હાલ ગંભીર છે. ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. સયાજી હોસ્પિટલમાં નોંધાયેલી વર્ધીમાં લખવામાં આવ્યું છે કે, યુવકને પોલીસ વાનથી બે કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો હતો.માહિતી મળતા ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ છે. પોલીસ ફરિયાદ થઈ ગયા બાદ પણ આરોપી પોલીસકર્મીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી.
ગળુ પકડીને પોલીસ વાન સાથે ઢસડ્યો
ઈજાગ્રસ્ત થયેલા મોહમ્મદ ફૈઝાનના ભાઈ મોહમ્મદ મુમતાઝે મીડિયાને જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 11 વાગે મારા ભાઈએ આમલેટની લારી બંધ કરી દીધી હતી. તેના બેથી ત્રણ મિત્રો સાથે લારી પાસે બેઠો હતો. આ સમયે સયાજીગંજ પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઇવર પોલીસ પાન સાથે આવ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલે મારા ભાઈને 20થી 25 દંડા માર્યા હતા. ત્યાર બાદ મારા ભાઈનું ગળુ પકડીને પોલીસ વાન સાથે ઢસડ્યો હતો. જેમાં મારા ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી છે. મારો ભાઈ લોહી લુહાણ થઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસકર્મીઓ ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા અમે પહોંચી ગયા હતા અને મારા ભાઈને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા.
પોલીસ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી
તેમણે વધુમાં કહ્યું હતું કે, એક પોલીસ અધિકારીએ અમને કહ્યું હતું કે, તમારા ભાઈને ખાનગી હોસ્પિટલમાં લઈ જાઓ જે પણ ખર્ચ થશે તે અમે આપીશું. જોકે અહીં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ કોઈ પોલીસ અધિકારી ફરક્યા પણ નથી. અહીં અમારી પાસે 1 લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે. અમારી માંગણી છે કે, મારા ભાઈને માર મારનાર પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને મારા ભાઈની સારવારનો ખર્ચ પણ આપવો જોઈએ. સયાજીગંજ પોલીસના કર્મચારીઓએ યુવકને બેરહેમીપૂર્વક માર મારતા યુવક હાલ ICUમાં દાખલ છે અને પરિવારજનો ચિંતિન બન્યા છે. આ મામલે DCP જુલી કોઠીયાએ જણાવ્યું હતું કે, યુવકને માર મારવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃઅમિત શાહનો વીડિયો એડિટ કરનાર એક AAPનો કાર્યકર્તા બીજો MLA મેવાણીનો PA નીકળ્યો