અક્ષય તૃતિયા પર બની રહ્યા છે અનેક શુભ યોગ, નોંઘી લો ખરીદીના મુહૂર્ત
- આ વર્ષે અક્ષય તૃતિયા 10 મેના રોજ સવારે 4.17 વાગ્યે શરૂ થશે. આ પર્વ ગજકેસરી, શશ અને સુકર્મા યોગમાં પડે છે, જે શ્રદ્ધાળુઓ અને ખરીદી કરનારા લોકો માટે અત્યંત શુભ અને લાભકારી છે.
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ દરેક વર્ષે અક્ષય તૃતિયા એટલે કે અખા ત્રીજ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતિયા 10 મેના રોજ સવારે 4.17 વાગ્યે શરૂ થશે. આ પર્વ ગજકેસરી, શશ અને સુકર્મા યોગમાં પડે છે, જે શ્રદ્ધાળુઓ અને ખરીદી કરનારા લોકો માટે અત્યંત શુભ અને લાભકારી છે. જ્યોતિષાચાર્યો કહે છે કે અક્ષય તૃતિયાના દિવસે જો રોહિણી નક્ષત્ર હોય તો તેનું મહત્ત્વ હજાર ગણું વધી જાય છે. 10 મેના રોજ સવારે રોહિણી નક્ષત્ર છે. અક્ષય તૃતિયાની પૂજાનો શ્રેષ્ઠ સમય સવારે 7.44 વાગ્યાથી બપોરે 12.20 સુધીનો છે. અક્ષય તૃતિયાને જ્યોતિષમાં સ્વયંસિદ્ધ મુહૂર્ત પણ કહેવામાં આવે છે. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે છે.
ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની આરાધના
મત્સ્ય પુરાણ અનુસાર અક્ષય તૃતિયાના દિવસે અક્ષત, પુષ્પ, દીપ વગેરે દ્વારા ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીની આરાધના કરવાથી વિશેષ કૃપા વરસે છે. સંતાનો પણ સ્વસ્થ રહે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ મહત્ત્વ છે. આ દિવસે જળ, અનાજ, શેરડી, દહીં, સત્તૂ, હાથેથી બનેલા પંખાનું દાન કરવાથી વિશેષ ફળ મળે છે. દાનને વૈજ્ઞાનિકતાના આધારે ઉર્જા સાથે જોડીને જોવામાં આવે છે.
આ દિવસનું છે ખૂબ મહત્ત્વ
આ દિવસનું ખૂબ મહત્ત્વ એટલે છે કેમકે આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. આ દિવસે ગંગા મૈયા ધરતી પર અવતરિત થયા હતા. સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગના પ્રારંભની ગણના આ દિવસે જ શરૂ થઈ હતી. આ દિવસે જ બદ્રીનાથ મંદિરના પટ ખુલે છે અને વૃંદાવનમાં બાંકે બિહારીના ચરણોના દર્શન વર્ષમાં એક વાર આ દિવસે જ થાય છે. આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય અને ચંદ્રમા પોતાની ઉચ્ચ રાશિમાં હોય છે, તેથી અખાત્રીજના દિવસે ખરીદી અને દાન-પુણ્યનું મહત્ત્વ વધી જાય છે.
બની રહ્યા છે અનેક શુભ યોગ
અક્ષય તૃતિયા પર સુખ-સુવિધા અને ધન-ઐશ્વર્ય વધારનાર યોગ સુકર્માનું બપોરે 12 વાગ્યે નિર્માણ થઈ રહ્યું છે. સોનાની ખરીદી સુકર્મા યોગમાં કરવામાં આવે છે. ગજકેસરી યોગમાં સફળતા. ધન-ધાન્ય, પદ-પ્રતિષ્ઠામાં વધારો થાય છે. આ યોગ ત્યારે બને છે જ્યારે ચંદ્રમા ગુરુ બૃહસ્પતિ સાથે કોઈ રાશિમાં યુતિ કરે છે અથવા તેની પર તેમની દ્રષ્ટિ હોય છે. શશ યોગ ત્યારે બને છે જ્યારે શનિ ગ્રહ કુંડળીના લગ્ન કે ચંદ્રમાથી પહેલા, ચોથા, સાતમા અને દસમાં ઘરમાં હોય છે. જ્યોતિષમાં શશ યોગ વૈદિક જ્યોતિષના પંચ મહાપુરુષ યોગમાંથી એક છે.
ખરીદીનો આ છે બેસ્ટ સમય
સવારે 5.33 વાગ્યાથી 10.37 સુધી
બપોરે 12.18 વાગ્યાથી 1.59 સુધી
સાંજે 5.21 વાગ્યાથી 7.02 સુધી
રાતે 9.40 વાગ્યાથી 10.59 સુધી
આ પણ વાંચોઃ 1 મેથી આ રાશિઓના સારા દિવસો શરૂ, ગુરુનું ગોચર બનાવશે ધનવાન