ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રની આ હાઈપ્રોફાઈલ સીટ પર નારાયણ રાણે અને વિનાયક રાઉત વચ્ચે જામશે જંગ

મહારાષ્ટ્ર, 1 મે: રત્નાગીરી-સિંધુદુર્ગ લોકસભા સીટ મહારાષ્ટ્રની હાઈપ્રોફાઈલ સીટોમાંની એક છે. આ લોકસભા સીટ રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાની દરેક ત્રણ વિધાનસભાને જોડીને બનાવવામાં આવી છે. રત્નાગીરી-સિંધુદુર્ગ બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. અહીં 2009માં પ્રથમ સંસદીય ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી હતી અને નિલેશ રાણે સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારથી શિવસેના-યુબીટી આ સીટ જીતી રહી છે. આ વર્ષે આ સીટ પર શિવસેના-યુબીટી અને ભાજપ વચ્ચે જંગ છે. અહીંથી શિવસેના-યુબીટીએ ફરી એકવાર વિનાયક રાઉત પર ભરોસો મુક્યો છે, જ્યારે ભાજપે નારાયણ રાણેને મેદાનમાં ઉતાર્યા છે.

નારાયણ રાણે VS વિનાયક રાઉત

ભાજપે રત્નાગિરી-સિંધુદુર્ગથી નારાયણ રાણેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ પહેલા બીજેપીએ ક્યારેય અહીંથી કોઈ પ્રતિનિધિને મેદાનમાં ઉતાર્યા નથી. શિવસેના, જે અગાઉ એનડીએ ગઠબંધનનો એક ભાગ હતી જે અહીંયાથી ચૂંટણી લડતી આવી છે, પણ હવે શિવસેના-યુબીટી જે હવે મહા વિકાસ અઘાડી (એમવીએ) નો ભાગ છે, તેણે રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક પરથી તેના જૂના ઉમેદવાર પર ભરોસો મુક્યો છે.  જ્યારે શિવસેના-યુબીટીના વિનાયક રાઉત અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડશે.

અત્યાર સુધીની ચૂંટણીના પરિણામ

2009ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નિલેશ રાણેને 3,53,915 વોટ મળ્યા હતા. તેમણે શિવસેનાના સુરેશ પ્રભુને 46,750 મતોથી હરાવ્યા. તેમને 3,07,165 મત મળ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં આ સીટ શિવસેના-યુબીટીએ જીતી હતી. અહીંથી પાર્ટીએ વિનાયક રાઉતને મેદાનમાં ઉતાર્યા હતા. વિનાયક રાઉતે કોંગ્રેસના નિલેશ રાણેને 1,50,051 મતોથી હરાવ્યા હતા. આ પછી 2019ની લોકસભા ચૂંટણીમાં પણ શિવસેના-યુબીટીના વિનાયક રાઉતે પોતાનો કરિશ્મા જાળવી રાખીને સીટ જીતવામાં સફળ રહ્યા હતા. તેમણે આ બેઠક પર 1,78,322 મતોથી જીત મેળવી હતી. વિનાયક રાઉત 458,022 વોટ મેળવવામાં સફળ રહ્યા હતા. જ્યારે, MSHPના નિલેશ નારાયણ રાણેને 2,79,700 મત મળ્યા હતા.

અલફાન્સો કેરી માટે જગવિખ્યાત છે આ વિસ્તાર

રત્નાગીરી-સિંધુદુર્ગ મતવિસ્તાર અરબી સમુદ્રના કિનારે આવેલો છે. મહાન સ્વાતંત્ર્ય સેનાની બાલ ગંગાધર તિલકનો જન્મ રત્નાગીરીમાં થયો હતો.  આ રત્નાગિરી શહેર કાજલી નદીની નજીક છે.  1731 માં, રત્નાગીરી સતારા રાજાઓના નિયંત્રણમાં ચાલ્યું ગયું હતું.  આ પછી  1818 માં અંગ્રેજો દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. આ સીટમાં આવતો સિંધુદુર્ગ જિલ્લો વિશ્વ વિખ્યાત આલ્ફોન્સો કેરી, કાજુ અને જાંબુ જેવા ફળો માટે પ્રખ્યાત છે. આ વિસ્તાર લાંબા અને સુંદર દરિયાકિનારાની સાથે  લીલાછમ જંગલો અને પર્વતોથી પણ ઘેરાયેલો છે. જ્યાં 1664 માં શિવાજી મહારાજે કોંકણ કિનારે એક ભવ્ય કિલ્લો બનાવ્યો હતો જે સિંધુદુર્ગ કિલ્લા તરીકે ઓળખાય છે. સિંધુદુર્ગ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કિલ્લાઓ ધરાવતા શહેર તરીકે પણ ઓળખાય છે. અહીં કુલ 37 જેટલા કિલ્લાઓ છે, જે દરિયાકિનારે, જમીન અને પહાડોની ટોચ પર આવેલા છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં શિંદે જૂથના 3 સાંસદોની ટિકિટ કપાતા નેતાઓ નારાજ, બેઠક વહેંચણી અંગે મતમતાંતર

Back to top button