શું PM મોદી અને ભાજપ બંધારણ બદલી નાખવા માગે છે? વડાપ્રધાને જ આપ્યો જવાબ
- વિપક્ષોનું કહેવું છે કે જો પીએમ મોદી ત્રીજી વાર સત્તામાં આવશે તો બંધારણ ખતરામાં છે
- પીએમ મોદી જવાબમાં કહ્યું કે, બંધારણના 75 વર્ષ પૂરા થવા પર મોટા પાયે ઉજવણી કરાશે
નવી દિલ્હી, 1 મે: લોકસભાની ચૂંટણીની શરૂઆત પહેલા જ વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદી પર બંધારણને લઈને ગંભીર આરોપો લગાવી રહી છે. કોંગ્રેસ સહિત લગભગ તમામ વિપક્ષી દળોનો આરોપ છે કે જો પીએમ મોદી ત્રીજી વાર સત્તા પર આવશે તો બંધારણમાં ફેરફાર થવાનો ખતરો રહેલો છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જો ભાજપ કેન્દ્રમાં ફરીવાર સત્તામાં આવશે તો તે બંધારણને ફાડી નાખશે જે ગરીબો, દલિતો, આદિવાસીઓ, ઓબીસી લોકોને અધિકાર આપે છે. જ્યારે પીએમ મોદીએ જવાબમાં જણાવ્યું છે કે બંધારણના 75 વર્ષ પૂરા થવા પર મોટા પાયે ઉજવણી કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષોના આ આક્ષેપોનો જવાબ તેમના એક જૂના ટ્ટિટ દ્વારા આપ્યો હતો. નવેમ્બર 2020માં તેમણે બંધારણ દિવસ નિમિત્તે પોતે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બંધારણના કરેલા સન્માનના ફોટા શૅર કર્યા હતા. એ પ્રસંગ 2010નો હતો જ્યારે બંધારણની રચનાને 60 વર્ષ પૂરા થયા હતા. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા. તેમણે આ નિમિત્તે સુરેન્દ્રનગરમાં સંવિધાન ગૌરવયાત્રાનું આયોજન કર્યું હતું. એ પ્રસંગના 2020માં શૅર કરેલા ટ્વિટમાં હાથીની અંબાડીમાં બંધારણની પ્રતિકૃતિ મૂકેલી દેખાય છે અને એ શોભાયાત્રામાં નરેન્દ્ર મોદી, પરશોત્તમ રુપાલા, નીતિન પટેલ સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાજપ સરકારના મંત્રીઓ અને નેતાઓને જોઈ શકાય છે.
In 2010, to mark 60 years of the Constitution, we organised the Samvidhan Gaurav Yatra in Surendranagar, Gujarat. A replica of the Constitution was placed on an elephant and the procession covered parts of the city. I too walked in that procession. It was a unique tribute! pic.twitter.com/yAbU5UKQWn
— Narendra Modi (@narendramodi) November 26, 2020
ભૂતકાળમાં હાથી પર યોજાઈ હતી સંવિધાનની શાહી સવારી
બંધારણના અમલ આવ્યાના 60 વર્ષ પુરા થવાના અવસરે ગુજરાતના સુરેન્દ્રનગરમાં બંધારણની નકલ હાથી પર મૂકીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પીએમ મોદીએ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે ગૌરવ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં બંધારણની પ્રતિકૃતિ હાથી પર મૂકવામાં આવી હતી અને શહેરના વિવિધ વિસ્તારમાં શોભાયાત્રા ફરી હતી. આ શોભાયાત્રાને યાદ કરીને પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘હું પોત પણ ચાલ્યો હતો. તે એક અનોખી શ્રદ્ધાંજલી હતી!’
75 વર્ષ પૂરા થવા પર ભવ્ય ઉજવણી કરાશે
લોકસભા 2024ની ચૂંટણીમાં તેલંગાણામાં એક સભાને સંબોધતા પીએમ મોદીએ સરકાર ચલાવવા માટે બંધારણને ‘ધાર્મિક ગ્રંથ’ ગણાવ્યો હતો અને યાદ અપાવ્યું હતું કે પદ સંભાળ્યા બાદ 2014માં સંસદમાં પ્રવેશ કરતી વખતે તેઓ તેની સામે ઝૂકી ગયા હતા. મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસનો ‘શાહી પરિવાર’ પાર્ટીના બંધારણને પણ સ્વીકારવા તૈયાર નથી અને કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ સીતારામ કેસરીને ‘બાથરૂમમાં બંધ’ કરીને ‘ફૂટપાથ પર ફેંકી દેવામાં આવ્યા’ અને કોંગ્રેસના બંધારણની પરવા કર્યા વિના ‘શાહી પરિવાર’એ પાર્ટીને કબજે કરી લીધી. રેલીને સંબોધતા મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના ત્રીજા કાર્યકાળમાં તેઓ બંધારણના 75 વર્ષની ઉજવણી ભવ્ય રીતે ઉજવણી કરશે.
આ પણ વાંચો: ગુજરાત: સંત સમાજના ઇતિહાસમાં સૌપ્રથમવાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના સંતોને મહામંડલેશ્વરની પદવી