સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદી તા.2જી મેએ ચૂંટણી સભા ગજવશે, જાણો કેવી છે તૈયારી
- 6 એસપી, 18 ડીવાયએસપી સહિત 1600થી વધુ પોલીસ અધીકારીઓ અને જવાનો ખડેપગે
- સુરેન્દ્રનગરના રાજકોટ હાઈવે પરના ત્રિમંદિર સામે ગુરુવારે બપોરે 1 કલાકે જંગી જનસભા યોજાશે
- રાજકોટ અને ભાવનગરના ઉમેદવારના વિજય તિલક માટે 1 લાખ ઉપરાંતની જનમેદનીને PM સંબોધિત કરશે
સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદી તા.2જી મેએ ચૂંટણી સભા ગજવશે. જેમાં ઝાલાવાડમાં ચૂંટણીનો ગરમાવો છે. ત્યારે એડિશનલ ડીજી સહિત 1600થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. તથા સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ અને ભાવનગરના ઉમેદવારના વિજય તિલક માટે 1 લાખ ઉપરાંતની જનમેદનીને PM સંબોધિત કરશે.
આ પણ વાંચો: ગુજરાત: લોકશાહીના મહાપર્વમાં મતદાન કરી વિવિધ ચીજવસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મેળવો
સુરેન્દ્રનગરના રાજકોટ હાઈવે પરના ત્રિમંદિર સામે ગુરુવારે બપોરે 1 કલાકે જંગી જનસભા યોજાશે
સુરેન્દ્રનગરના રાજકોટ હાઈવે પરના ત્રિમંદિર સામે ગુરુવારે બપોરે 1 કલાકે જંગી જનસભા યોજાશે. રાજયમાં લોકસભા ચૂંટણીમાં હાલ પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે દેશના વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 2જી મેને ગુરૂવારે ઝાલાવાડમાં ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરવાના છે. ગુરૂવારે બપોરે 1 કલાકે શહેરના રાજકોટ હાઈવે પર ત્રિમંદિર સામે વડાપ્રધાન સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ અને ભાવનગર બેઠકમાં કમળ ખીલવવા જાહેર સભાને સંબોધિત કરશે. હાલ પીએમની સુરક્ષા વ્યવસ્થાને લઈને આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે અને રાજયના ડીજી અંદાજે 1600થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનોને પીએમની સભામાં બંદોબસ્ત સોંપવામાં આવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક આવતીકાલે સુરેન્દ્રનગર આવશે
સમગ્ર દેશ અને રાજયમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. તા. 7મી મેના રોજ થનાર મતદાન માટે અંતીમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જતા હાલ ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત બની ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપરાંત રાજકોટ અને ભાવનગરની બેઠક પર ભાજપના ઉમેદવારોને જીતાડવા અને કમળ ખીલવવા માટે દેશના વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક આવતીકાલે તા. 2જી મેને ગુરૂવારે સુરેન્દ્રનગર આવી રહ્યા છે.
6 એસપી, 18 ડીવાયએસપી સહિત 1600થી વધુ પોલીસ અધીકારીઓ અને જવાનો ખડેપગે
સુરેન્દ્રનગર-રાજકોટ હાઈવે પર યોજાનાર આ સભામાં અંદાજે 1 લાખથી વધુ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડનાર છે. ગત વર્ષ 2022માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાને તા. 21-11-22ના રોજ જાહેરસભાને સંબોધી હતી. અને જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર ભગવો લહેરાયો હતો. ત્યારે દોઢ વર્ષ બાદ વડાપ્રધાન ફરી ઝાલાવાડમાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન હોય સુરક્ષા વ્યવસ્થા પણ સુરેન્દ્રનગરમાં ચુસ્ત કરી દેવાઈ છે. વડાપ્રધાનની સીકયોરીટી એસપીજીની ટીમ પણ સભા સ્થળની મુલાકાત લઈ ચૂકી છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડયાની આગેવાનીમાં સભા સ્થળની આસપાસ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જયારે રાજયના એડીશનલ ડીજી અભય ચુડાસમા સહિત 6 એસપી, 18 ડીવાયએસપી સહિત 1600થી વધુ પોલીસ અધીકારીઓ અને જવાનો તા. 2જી મેના રોજ ખડેપગે રહેશે.