નવી દિલ્હી, 30 એપ્રિલ : દિલ્હીમાં વર્ષ 2008ના સપ્ટેમ્બરમાં થયેલા સિરિયલ વિસ્ફોટોમાં સંડોવણી માટે ટ્રાયલનો સામનો કરી રહેલા ત્રણ શંકાસ્પદ ઇન્ડિયન મુજાહિદ્દીન ઓપરેટિવ્સને હાઇકોર્ટે સોમવારે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટનામાં 26 લોકોના મોત થયા હતા. જો કે, હાઈકોર્ટે સંબંધિત ટ્રાયલ કોર્ટને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત સુનાવણી કરીને કેસની સુનાવણી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
વધુમાં કોર્ટે નોંધ્યું કે, આરોપીઓ 2008 થી જેલના સળિયા પાછળ છે. ત્રણ અલગ-અલગ ચુકાદાઓમાં, હાઈકોર્ટે મુબીન કાદર શેખ, સાકિબ નિસાર અને મન્સૂર અસગર પીરભોય દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. જેમાં તેમને જામીન આપવાનો ઈનકાર કરતા નીચલી અદાલતના આદેશને પડકારવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત 13 સપ્ટેમ્બર, 2008ના રોજ દિલ્હીમાં કરોલ બાગ, કનોટ પ્લેસ અને ગ્રેટર કૈલાશમાં વિવિધ સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેના પરિણામે 26 લોકોના મોત થયા હતા અને સંપત્તિના વિનાશ ઉપરાંત 135 લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત ત્રણ જીવંત બોમ્બ પણ મળી આવ્યા હતા અને તેને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. ત્યારે આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીને વિવિધ ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને ઈ-મેઈલ મોકલીને આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોની જવાબદારી લીધી હતી; તેણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે, 13 મે, 2008ના રોજ રાજસ્થાનના જયપુરમાં અને 26 ઓગસ્ટ, 2008ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયેલા વિસ્ફોટો તેમના દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા.