વેકેશનમાં મધ્યપ્રદેશને એક્સપ્લોર કરવા ઈચ્છતા હો તો આ પાંચ જગ્યાની ખાસ લેજો મુલાકાત
- વેકેશનમાં જો તમે મધ્યપ્રદેશને એક્સ્પ્લોર કરવા ઈચ્છતા હો તો આ ખાસ જગ્યાઓને જોવાનું ન ભૂલતા. અહીંથી તમે સુંદર યાદો લઈને જશો, તેની ગેરંટી છે.
મધ્યપ્રદેશમાં ફરવાની મજા કંઈક અનોખી છે. મધ્યપ્રદેશને દેશનું દિલ કહેવામાં આવે છે. અહીં ફરવા માટે અનેક બેસ્ટ જગ્યા છે. જો તમે મધ્યપ્રદેશ કદી ન ગયા હો અને ત્યાં ફરવાનો પ્લાન કરી રહ્યા હો તો તમે ત્યાંની પાંચ મસ્ત જગ્યાઓ વિશે જામો. વેકેશનમાં જો તમે મધ્યપ્રદેશને એક્સ્પ્લોર કરવા ઈચ્છતા હો તો આ ખાસ જગ્યાઓને જોવાનું ન ભૂલતા. અહીંથી તમે સુંદર યાદો લઈને જશો, તેની ગેરંટી છે.
ઓરછા
ઓરછા મધ્યપ્રદેશનું એક ઐતિહાસિક શહેર છે, તે બેતવા નદીના તટ પર આવેલું છે. તે પોતાના ભવ્ય મહેલો અને મંદિરો માટે જાણીતું છે. તે 16મી અને 17મી સદીમાં બુંદેલા રાજપૂત રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઓરછાને મધ્યપ્રદેશનું અજંતા પણ કહેવામાં આવે છે, કેમકે અહીંના મંદિરોમાં અજંતાની ગુફાઓ જેવા સુંદર અને વિસ્તૃત પેઈન્ટિંગ્સ છે.
માંડૂ
માંડૂ એક ઐતિહાસિક શહેર છે, તે માલવા પઠાર પર આવેલું છે. તે પોતાના ભવ્ય કિલ્લાઓ અને મહેલો માટે જાણીતું છે. માંડૂ જઈને તમે કિલ્લાની વિઝિટ કરી શકો છો. અહીંના જહાજ મહેલ, રુપમતી મહેલ, હોશંગ શાહનો મકબરો અને જામા મસ્જિદ દર્શનીય સ્થળો છે. તમે રાણી રૂપમતીના મંડપમાં પણ જઈ શકો છો, તે એક સુંદર મંડપ છે જે રાણી રુપમતીને સમર્પિત છે.
પચમઢી
આ એક હિલસ્ટેશન છે. તેને સાત પહાડોની રાણી તરીકે પણ ઓળખાય છે. પચમઢી વિંધ્ય પર્વત શ્રૃંખલાનો એક ભાગ છે. તે સમુદ્ર તટથી લગભગ 1000 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. પચમઢીને મધ્યપ્રદેશનું એકમાત્ર હિલસ્ટેશન માનવામાં આવે છે. આ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે, અહીં ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ અને નૌકા વિહાર જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે.
ખજુરાહો
ખજુરાહો મધ્ય પ્રદેશનું એક શહેર છે જે તેના શિલ્પો માટે પ્રખ્યાત છે. તે 10મી અને 11મી સદીમાં ચંદેલા રાજવંશના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલા 22 મંદિરોનું ઘર છે. આ મંદિરોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સામેલ કરવામાં આવ્યા છે. આ મંદિરો તેમના ભવ્ય સ્થાપત્ય, વિસ્તૃત કોતરણી અને ઉત્કૃષ્ટ શિલ્પો માટે જાણીતા છે.
ભેડાઘાટ
મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલું ભેડાઘાટ નર્મદા નદીના કિનારે આવેલી એક કુદરતી અજાયબી સમાન છે. તે તેના આરસના ખડકો અને ધોધ માટે જાણીતું છે. ભેડાઘાટ તેના ધોધ માટે પ્રખ્યાત છે, એક ધોધ જે નર્મદા નદીના સાંકડા ભાગમાંથી પડે છે. ધોધનું બળ એટલું વધારે છે કે પાણીના ટીપા હવામાં ભળે છે અને ધુમાડા જેવી અસર સર્જે છે.
આ પણ વાંચોઃ સોનૂ સૂદનું WhatsApp 61 કલાક બંધ રહ્યું અને આવ્યા 9000થી વધુ મેસેજ!