કરોડપતિ અને ગુનાઈત છબી ધરાવતા ઉમેદવારોની ચૂંટણીમાં જીતની સંભાવના વધુ
નવી દિલ્હી, 29 એપ્રિલ: લોકશાહીના મંદિર એટલે કે દેશની સંસદ સુધી પહોંચવા માટે યોજાયેલી ચૂંટણીમાં ધન અને શક્તિનું વર્ચસ્વ છે. લોકસભાની ચૂંટણીમાં ગુનાઈત ઈમેજ ધરાવતો ઉમેદવાર જેટલો ધનવાન અને વધુ શક્તિશાળી હશે, તેની જીતની શક્યતાઓ એટલી જ પ્રબળ છે. દેશની રાજનીતિ અને ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખનારી બિનસરકારી સંસ્થા ‘એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (ADR)ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટના ડેટાથી જાણવા મળ્યું છે કે દરેક લોકસભા ચૂંટણીમાં કરોડપતિઓ અને ગુનાઈત છબી ધરાવતા ઉમેદવારોની જીતની સંખ્યા સતત વધી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019ની ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારોએ 543 લોકસભા સીટોમાંથી 454 એટલે કે 88% સીટો જીતી હતી. જ્યારે 266 એટલે કે 43% બેઠકો પર લોકો દ્વારા ગુનાઈત છબી ધરાવતા ઉમેદવારો ચૂંટાયા હતા.
2024ની ચૂંટણીમાં ધનવાન અને શક્તિવાન ઉમેદવારોની જીતની શક્યતા
ADR રિપોર્ટ પર નજર કરીએ તો સ્પષ્ટપણે જણાય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં ધનવાન અને શક્તિવાન ઉમેદવારોની જીતની શક્યતાઓ વધુ છે. રિપોર્ટ અનુસાર, 2019માં કુલ 7,945 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. તેમાંથી 29% એટલે કે 2301 ઉમેદવારો કરોડપતિ હતા, જ્યારે 19% એટલે કે 1503 ઉમેદવારો ગુનાઈત છબિ ધરાવતા હતા, જેમની સામે એક અથવા વધુ ફોજદારી કેસ નોંધાયેલા હતા. 2024ની ચૂંટણીમાં પણ 2019ની જેમ કરોડપતિઓ અને ગુનાઈત છબી ધરાવતા ઉમેદવારોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી અને આવા ઉમેદવારો પર રાજકીય પક્ષોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ચૂંટણીના પ્રથમ બે તબક્કા માટે 189 બેઠકો માટે મતદાન થયું છે અને આ બેઠકો પર લડી રહેલા 2,810 ઉમેદવારોમાંથી 18% એટલે કે 501 ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો છે અને 30% એટલે કે 840 કરોડપતિ ઉમેદવારો છે.
પ્રથમ તબક્કા કરતા બીજા તબક્કામાં વધુ કરોડપતિ
આ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલના રોજ યોજાયેલ 102 બેઠકો માટે મતદાન માટે 16% ગુનાઈત રેકોર્ડ ધરાવતા 28% કરોડપતિ ઉમેદવારો મેદાનમાં હતા જ્યારે બીજા તબક્કામાં 21% ગુનાઈત રેકોર્ડ ધરાવતા ઉમેદવારો મેદાનમાં હતા. 26 એપ્રિલે યોજાયેલા મતદાન માટે 33% કરોડપતિ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. 2024ની ચૂંટણીના અન્ય તબક્કાના ઉમેદવારો અંગેના અહેવાલો હજુ પ્રાપ્ત થયા નથી.
કોની જીતવાની કેટલી તકો છે?
રિપોર્ટ અનુસાર, 2019ની લોકસભા ચૂંટણીમાં ગુનાઈત છબી ધરાવતા ઉમેદવારની ચૂંટણી જીતવાની સંભાવના 15.5% હતી, જ્યારે સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારની ચૂંટણી જીતવાની સંભાવના માત્ર 4.7% હતી. 2019માં કરોડપતિ ઉમેદવારની ચૂંટણી જીતવાની સંભાવના 21% હતી, જ્યારે 1 કરોડ રૂપિયાથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારોની ચૂંટણી જીતવાની સંભાવના માત્ર 01% હતી. તમામ ધનવાન ઉમેદવારોએ મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ગોવા, પંજાબ, અરુણાચલ પ્રદેશ સહિત 14 રાજ્યોમાં ચૂંટણી જીતી હતી. ઉત્તર પ્રદેશમાં 97% કરોડપતિ, 95% બિહાર, 74% પશ્ચિમ બંગાળ, 92% ગુજરાતમાં અને 93% ઝારખંડમાં ચૂંટણી જીતી છે.
આ પણ વાંચો: ગુનાઈત છબી ધરાવતા નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરે છે: અલ્હાબાદ હાઈકોર્ટની ટિપ્પણી