CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે UPSC પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન
- સરદારધામ સંચાલિત સુધા જશવંત અંબાલાલ સિવિલ સર્વિસ કેન્દ્ર ખાતે તાલીમ પામેલા 8 વિદ્યાર્થીઓ UPSC પરીક્ષામાં થયા સફળ
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં પાછલા દસ વર્ષોમાં દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ જોવા મળ્યો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાબાદ, 29 એપ્રિલ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના સરદાર ધામ ખાતે તાલીમ મેળવી યુપીએસસી(UPSC) પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સરદારધામ સંચાલિત સુધા જશવંત અંબાલાલ સિવિલ સર્વિસ કેન્દ્ર ખાતે તાલીમ પામેલા 8 વિદ્યાર્થીઓ તાજેતરમાં જાહેર કરાયેલા યુપીએસસી પરીક્ષાના પરિણામોમાં સફળ થયા હતા. આ પ્રસંગે સરદારધામ સંસ્થાના દાતાઓનું પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થકી આજે ગુજરાત દેશમાં વેપાર ધંધા માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું: મૂખ્યમંત્રી
આ સન્માન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં પાછલા દસ વર્ષોમાં દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ જોવા મળ્યો છે. નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આજે વૈશ્વિક સ્તરે જાણીતી બની છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થકી આજે ગુજરાત દેશમાં વેપાર ધંધા માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. વડાપ્રધાનના વિઝન અને માર્ગદર્શન બંનેનો લાભ ગુજરાતને હંમેશા મળ્યો છે.
વડાપ્રધાનના મતે યુવા મતદારો ‘ન્યુ એજ વોટર્સ’ નહિ, પરંતુ ‘ન્યુ એજ પાવર’ છે: CM
સરદારધામના સફળ થયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા યુવાઓના સામર્થ્યને સમર્થન કર્યું છે. યુવાઓને સાથે લઈને તેમણે દેશને વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન જોયું છે. વડાપ્રધાનએ યુવા મતદારોને ‘ન્યુ એજ વોટર્સ’ નહિ, પરંતુ ‘ન્યુ એજ પાવર’ કહ્યા છે. આજે આપણું યુવાધન તેમના આ સ્વપ્નને સાકાર પણ કરી રહ્યું છે.’ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ‘આ વખતે પ્રથમ વખત રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ 25 વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે. સરદારધામ જેવી સામાજિક સંસ્થાઓ આજે યુવાનોના સ્વપ્નો સાકાર કરવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહી છે.’
આ પ્રસંગે યુપીએસસી પરીક્ષામાં સફળ થયેલા સરદારધામના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. સૌ સફળ વિદ્યાર્થીઓએ તેમની સફળતાનો શ્રેય તેમના પરિવાર અને સરદારધામની સુવિધાઓ અને શિક્ષણને આપ્યો હતો. આ પ્રસંગે સરદારધામના ગગજીભાઈ સુતરીયાએ સ્વાગત પ્રવચન અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ પણ જુઓ: ગુજરાતના આ શહેરમાં રેલી-નાટક દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ શરૂ કરાયો