ક્ષત્રિયો અંગે હવે રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન, ભાજપને મુદ્દો મળી ગયો !
નવી દિલ્હી, 27 એપ્રિલ : લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિયો અંગેના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનનો મુદ્દો જ્યારે જોરશોરથી ગુજરાતભરમાં ચાલી રહ્યો છે ત્યારે આ વિવાદને પણ ટક્કર મારતું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેના પગલે હવે ભાજપને આ અંગેનો મુદ્દો મળી ગયો છે.
રાજા – મહારાજા કોઈની પણ જમીન લઈ લેતા
મળતી માહિતી મુજબ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી સંદર્ભે એક જાહેરસભાને સંબોધતા હતા. આ દરમિયાન તેમણે પોતાના ભાષણમાં રાજા – મહારાજાઓનો ઉલ્લેખ કર્યો હતો. જો કે આ ઉલ્લેખ વિવાદિત હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, અગાઉ રાજા – મહારાજાઓ પ્રજા ઉપર દમન કરતા હતા. તેઓ ધારે તેની જમીન કે જગ્યા પચાવી લેતા હતા.
પરસોત્તમ રૂપાલાએ આપ્યું હતું વિવાદિત નિવેદન
ઉલ્લેખનીય છે કે, આજે જેમ રાહુલ ગાંધીએ રાજાઓ વિશે વિવાદિત નિવેદન આપ્યું છે તેમ અગાઉ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર જાહેર થયા બાદ એક ખાનગી કાર્યક્રમમાં તેઓ હાજર હતા જ્યાં તેમણે કહ્યું હતું કે, રાજા મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી-બેટીનો વ્યવહાર કર્યો હતો. જે અંગેનો વીડિયો વાયરલ થતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને ઠેરઠેર રૂપાલાનો વિરોધ શરૂ થયો હતો.