ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડહેલ્થ

‘દિલ હૈ હિન્દુસ્તાની’ પાકિસ્તાની છોકરી આયેશામાં ધડક્યું ભારતીય હ્રદય

  • પાકિસ્તાનથી બોર્ડર ઓળંગીને ભારતમાં આવેલી આયેશાને ડોક્ટરોએ નવું જીવન આપ્યું

ચેન્નાઈ, 27 એપ્રિલ: ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે ગમે તેટલી દુશ્મની હોય, પરંતુ જ્યારે જરૂર પડે છે ત્યારે ભારત પોતાના પાડોશીને સાથ આપે છે અને નવું જીવન પણ આપે છે. આવું જ કંઈક પાકિસ્તાની છોકરી આયેશા સાથે થયું. બોર્ડર ઓળંગીને ભારતમાં આવેલી આયેશાને ડોક્ટરોએ ન માત્ર નવું જીવન આપ્યું છે, પરંતુ તેની મફતમાં સારવાર પણ કરી છે. ઓગણીસ વર્ષની આયેશા રાશિદ છેલ્લા ઘણા સમયથી હૃદયની બીમારીથી પીડિત હતી. આયેશાના ફેલ થતા હાર્ટને ટેકો આપવા માટે હાર્ટ પંપ લગાવવામાં આવ્યો હતો. કમનસીબે આ ઉપકરણ બિનઅસરકારક સાબિત થયું અને ડોકટરોએ તેનો જીવ બચાવવા માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની ભલામણ કરી.

 

MGM હેલ્થકેર હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી

આયેશાના પરિવારે ચેન્નાઈની MGM હેલ્થકેર હોસ્પિટલના ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટના ડિરેક્ટર ડૉ. કે.આર. બાલકૃષ્ણન અને સહ-નિર્દેશક ડૉ. સુરેશ રાવની સલાહ લીધી. મેડિકલ ટીમે સલાહ આપી કે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જરૂરી છે કારણ કે આયેશાના હાર્ટ પંપમાં લીક થઈ ગયું હતું. તેને એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન (ECMO) પર મૂકવામાં આવી હતી.

દિલ્હીના બ્રેઈન ડેડ દર્દીનું હાર્ટ આયશામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું

MGM હેલ્થકેરના ડોકટરોએ દિલ્હીની હોસ્પિટલમાંથી લાવવામાં આવેલા 69 વર્ષીય મૃત દર્દીનું હૃદય આયશામાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. આયેશાની આ સર્જરી બિલકુલ ફ્રી કરવામાં આવી હતી. હકીકતમાં, દર્દી એવી પાકિસ્તાની છોકરી આયેશાના પરિવારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે લગભગ 35 લાખ રૂપિયા ખર્ચવા માટે અસમર્થતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની આર્થિક સ્થિતિ સારી નથી. ત્યારબાદ મેડિકલ ટીમે પરિવારને ઐશ્વર્યમ ટ્રસ્ટ સાથે જોડ્યો જેણે આર્થિક મદદ કરી. આયેશા 18 મહિના સુધી ભારતમાં રહી.

 

મૃત્યુના મુખમાંથી જીવિત બહાર લાવવામાં આવી 

આયેશાની માતા સનોબરે કહ્યું કે, જ્યારે તે ભારત પહોંચી ત્યારે આયેશા માંડ જીવિત હતી, તેના બચવાની શક્યતા માત્ર 10 ટકા હતી. “હું સાચું કહું તો, ભારતની સરખામણીમાં પાકિસ્તાનમાં કોઈ સારી તબીબી સુવિધાઓ નથી. મને લાગે છે કે, ભારત ખૂબ મૈત્રીપૂર્ણ છે. જ્યારે પાકિસ્તાનમાં ડૉક્ટરોએ કહ્યું કે, ટ્રાન્સપ્લાન્ટની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી ત્યારે અમે ડૉ. કે.આર. બાલકૃષ્ણનનો સંપર્ક કર્યો, હું ભારત અને ડૉક્ટરોનો આભાર માનું છું.

 

આયેશા ભારત અને ડૉક્ટરોની ફેન બની ગઈ

આયેશા અને તેની માતા સનોબરે ખાસ કરીને ભારતીય ડોક્ટરો અને ભારત સરકારનો આભાર માન્યો છે. સનોબરે કહ્યું છે કે, ડોક્ટરોએ મને શક્ય તમામ મદદની ખાતરી આપી. ડોકટરોની ટીમે ભારતમાં તેમના રોકાણ અને પૈસાની વ્યવસ્થા કરી દીધી.આયેશાએ કહ્યું, “હું ટ્રાન્સપ્લાન્ટથી ખૂબ ખુશ છું, મને એ વાતની પણ ખુશી છે કે એક પાકિસ્તાની છોકરીની અંદર ભારતીય દિલ ધડકી રહ્યું છે. મેં વિચાર્યું હતું કે આ ક્યારેય શક્ય નહીં બને પરંતુ આ શક્ય બન્યું.” માતાએ કહ્યું કે, “આયેશા નવી આશાઓથી ભરેલી છે અને તે ફેશન ડિઝાઈનર બનવાનું સપનું જોઈ રહી છે.

આ પણ જુઓ: હસના મના નહીં હે! જાણો ખુલીને હસવાના અઢળક ફાયદા

Back to top button