ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

હરિયાણા-ઝારખંડ જેવી ઘટના ગુજરાતમાં બની, બોરસદમાં પોલીસ જવાનને ટ્રકે કચડી નાખ્યો

Text To Speech

તાજેતરમાં પોલીસ જવાનો પર હુમલાની ઘટના સામે આવી રહી છે. જેમાં હરિયાણા અને ઝારખંડ પછી ગુજરાતમાં પણ આણંદમાં પોલીસ જવાન પર ટ્રક ચઢાવાઇ છે. તેમાં પોલીસ જવાન પર ટ્રક ચઢાવાતા તેમનું મોત થયુ છે. આ અંગે મળતી માહિતી અનુસાર, બોરસદમાં પોલીસ જવાન નાઈટ ડ્યુટી પર હતાં ત્યારે તેમણે એક શંકાસ્પદ ટ્રકને રોકવાનો ઈશારો કર્યો હતો ત્યારે ટ્રકે પૂરપાટ દોડાવીને ફરજ બજાવતા રાજ કિરણ નામના પોલીસ જવાનને કચડી નાખ્યો અને તેને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે જવાનને કચડીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને પકડવા અન્ય પોલીસ જવાનો પાછળ ગયા હતા પણ ટ્રક ડ્રાઈવર ટ્રક માણેજ ગામ પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રકનો કબજો લઈ તેના માલિકની શોધ કરવાની અને તેના આધારે આ ટ્રક કોણ ચલાવી રહ્યું હતું તે શોધવાની કવાયત શરૂ કરી છે. બીજી બાજુ સારવાર માટે દાખલ કરાયેલા જવાનનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હોવાથી ટ્રક ડ્રાઈવર સામે હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

 

આણંદના એસપી દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે ગઈ રાત્રે પોલીસના જવાનોએ હાઈ વે પર એક શંકાસ્પદ ટ્રકને રોકવાની કોશિશ કરી ત્યારે ટ્રક ચાલકે તેના પર ટ્રક ચડાવી દીધી હતી, જેમાં પોલીસ જવાન રાજકિરણને ગંભીર ઇજાઓ થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું છે. બીજી બાજુ ફરાર ટ્રક ચાલકની શોધ કરતાં તે ટ્રકને માણેજ ગામ પાસે બીનવારસી મુકીને ફરાર થઈ ગયો છે. આ ટ્રકને જપ્ત કરી ટ્રક ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.

હજી ગઈકાલે હરિયાણામાં મેવાતના નુંહમાં ડીએસપી સુરેન્દ્ર સિંહની ખનન માફિયાએ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે ગયા હતા. આ દરમિયાન ડેપ્યુટી એસપી ઉપર ડમ્પર ચડાવી દીધુ અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. નૂંહના તવાડુના ડેપ્યુટી એસપી પદ પર સુરેન્દ્ર સિંહ તૈનાત હતા.

સબ-ઇન્સ્પેક્ટરની પિકઅપ વેનથી કચડીને હત્યા

હરિયાણા પછી ઝારખંડના રાંચી જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરની પિકઅપ વેનથી કચડીને હત્યા કરવામાં આવી છે. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા પોલીસ અધિકારીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. વાહનચાલક ઘટના પછી ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસનો દાવો છે કે આ મામલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Back to top button