લોકસભા ચૂંટણી : બીજા તબક્કામાં 7 વાગ્યા સુધીમાં નોંધાયું 60.96 % મતદાન
- શુક્રવારે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થયું
નવી દિલ્હી, 26 એપ્રિલ : લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ શુક્રવારે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થયું હતું. જેમાંથી ગત વખતે ભાજપે 52 અને કોંગ્રેસને 22 બેઠકો મળી હતી. સાંજના 7 વાગ્યા સુધી ઉપલબ્ધ આંકડા મુજબ કુલ 60.96 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચે બીજા તબક્કા હેઠળ 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાનના નવા આંકડા જાહેર કર્યા છે. જે મુજબ સાંજે 7 વાગ્યા સુધી કુલ 60.96% મતદાન થયું હતું. ગત વખતે આ બેઠકો પર 70.09 ટકા મતદાન થયું હતું. મતલબ કે આ વખતે આ 88 લોકસભા સીટો પર લગભગ નવ ટકા ઓછું મતદાન થયું છે. શુક્રવારે બીજા તબક્કાના મતદાન સાથે, હવે 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે.
લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આસામમાં 70.68%, બિહારમાં 54.17%, છત્તીસગઢમાં 72.51%, જમ્મુ-કાશ્મીરમાં 67.22%, કર્ણાટકમાં 64.57%, કેરળમાં 65.04%, મધ્યપ્રદેશમાં 55.32% મતદાન થયું છે. મહારાષ્ટ્રમાં 53.71 %, મણિપુરમાં 77.18%, રાજસ્થાનમાં 60.06%, ત્રિપુરામાં 77.97%, ઉત્તર પ્રદેશમાં 53.17% અને પશ્ચિમ બંગાળમાં 71.84% મતદાન થયું હતું.
દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો માટે શુક્રવારે બીજા તબક્કાનું મતદાન થયું છે. આ સાથે આઉટર મણિપુર લોકસભા મતવિસ્તારના બાકીના વિસ્તારોમાં પણ મતદાન થયું હતું. શુક્રવારે, કેરળની તમામ 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8-8, મધ્ય પ્રદેશમાં 6, આસામ અને બિહારની 5-5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની 3-3, ત્રિપુરામાં 1-1 બેઠકો પર મતદાન થયું હતું અને જમ્મુ અને કાશ્મીરની બંને લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
ચૂંટણી પંચે શુક્રવારે 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર યોજાયેલી 18મી લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે વિશેષ તૈયારીઓ કરી છે. આ માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થા સાવચેતીપૂર્વક કરવામાં આવી હતી. કુલ 16 કરોડ મતદારો માટે 1 લાખ 67 હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં 102 સીટો પર 19 એપ્રિલે મતદાન થયું હતું. સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને મતગણતરી બાદ આવશે.