ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

અરવિંદ કેજરીવાલને જેલમાંથી મતદાન કરવા મળશે? જાણો શું છે નિયમ

  • દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ દારુ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં છે બંધ
  • કેજરીવાલ જેલમાંથી લડી શકે છે ચૂંટણી

દિલ્હી, 26 એપ્રિલ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. દરમિયાન, લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં પણ મતદાન થઈ રહ્યું છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે કેજરીવાલ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે કે પછી ચૂંટણી લડશે કે નહીં લડે એ પણ નક્કી નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે જેલમાં હોવાથી કેજરીવાલ પોતે વોટ આપી શકશે નહીં. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ક્રાઈમ ઈન ઈન્ડિયા 2022ના રિપોર્ટ અનુસાર 5 લાખથી વધુ લોકો એવા છે જેઓ આ લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં કારણ કે તેઓ જેલમાં સજા ભોગવી રહ્યા છે.

જેલમાંથી કેદી કેવી રીતે લડી શકે ચૂંટણી?

લગભગ દોઢ દાયકા પહેલા પટના હાઈકોર્ટમાં આવો જ એક મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં જેલમાં સજા કાપી રહેલા એક કેદીએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કોર્ટે આનો ઇનકાર કરતા કહ્યું કે જ્યારે કેદીઓને મત આપવાનો અધિકાર નથી તો તેમને ચૂંટણી લડવા જેવી જવાબદારીમાંથી કેવી રીતે મુક્તિ મળી શકે.

સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો પરંતુ ત્યાર પછી તત્કાલીન યુપીએ સરકારે કાયદામાં ફેરફાર કરીને જેલમાં બંધ લોકોને ચૂંટણીમાં ઊભા રહેવાની છૂટ આપી હતી. 2013માં જેલમાં હોવા છતા ચૂંટણી લડવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ જેલમાં બંધ વ્યક્તિ પાસે હજુ પણ મતદાનનો અધિકાર નથી.

કેમ કેજરીવાલ મતદાન નહીં કરી શકે?

જનપ્રતિનિધિત્વ અધિનિયમ (RP એક્ટ) 1951ની કલમ 62(5) હેઠળ જેલનો કોઈ પણ વ્યક્તિ મતદાન કરી શકતો નથી, પછી ભલે તે કસ્ટડીમાં હોય કે સજા ભોગવી રહ્યો હોય. મતદાન એ કાનૂની અધિકાર છે. જો કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે, તો તેનો અધિકાર આપોઆપ રદ થઈ જાય છે. આરોપીઓ સિવાય જેઓ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે તેઓ પણ ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી. જેથી આ ચૂંટણીમાં દિલ્હીના સીએમ કેજરીવાલ પણ મતદાન કરી શકશે નહીં.

કેદીઓને ચૂંટણી લડવાનો અધિકાર કેમ આપવામાં આવ્યો?

જો ગુનેગારો કે આરોપીઓને મત આપવાનો અધિકાર ન હોય તો તેમને ચૂંટણી લડવાનો અધિકાર ન હોવો જોઈએ. આ તર્કને લઈને કોર્ટમાં ઘણી ચર્ચા થઈ હતી. પછી એવું માનવામાં આવ્યું કે ઘણી વખત રાજકીય લડાઈમાં સત્તા પક્ષ વિપક્ષના નેતાઓને જેલ કરાવી દેતા હોય છે. આવી સ્થિતિમાં એક સક્ષમ વ્યક્તિ જેલમાં હોવાના કારણે અયોગ્ય ગણાતો હતો ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ જેલમાંથી પણ ચૂંટણી લડી શકશે.

કેદી ઉમેદવાર તો બની શકે પરંતુ પોતે પ્રચાર કે મતદાન ન કરી શકે

જેલમાંથી ચૂંટણી લડવા અંગે RP એક્ટની કલમ 62(5)માં વર્ષ 2013માં સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં તેમને જેલમાં રહીને ચૂંટણી લડવાની છૂટ મળી હતી. તેઓ ચૂંટણીમાં ઉમેદવાર બની શકે છે, તેમના લોકો દ્વારા ચૂંટણી પ્રચાર પણ કરી શકે છે, પરંતુ માત્ર મતદાન કરી શકતા નથી. જામીન પર જેલમાંથી બહાર આવવાથી પણ તેમને આ સુવિધા મળતી નથી. નિર્દોષ છૂટ્યા પછી અથવા સજા પૂર્ણ કર્યા પછી જ મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો: બીજા તબક્કાના મતદાનમાં નિર્ણાયક બની શકે એવી બેઠકો કેટલી? જાણો અહીં

Back to top button